ભડવેલ ગામે મહાકાલેશ્વર મહાદેવનો ત્રિ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વાવ તાલુકાના ભડવેલ ગામમાં મહાકાલેશ્વર શિવ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં શિવ ભક્તોની ભારે ભીડ જામી હતી, પ્રતિષ્ઠા મહોત્સવ 21મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિના પાવનકારી દિવસે ઉમંગભેર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ભડવેલ ગામના ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભડવેલ ગામના ભૂદેવોએ પાંચ પરગણા બ્રહ્મસમાજને પણ આમંત્રિત કર્યા હોઈ બહોળી સંખ્યામાં બ્રહ્મદેવો ઉમટી પડી શિવ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો, આ મહોત્સવમાં વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી પ્રતિષ્ઠા કરી હતી. ભડવેલ ગામે શિવની ત્રિ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજી હતી, જેમાં 20મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે ભવ્ય લોક ડાયરો રાખ્યો હતો.
યોજાયેલ ડાયરામાં લોકો ભજનના રંગે તરબોળ બની મનોરંજનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તેમજ પુષ્પ વર્ષા સાથે વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા યોજ્યા બાદ મહાશિવરાત્રિના દિવસે પ્રતિષ્ઠા કરી હતી. પ્રતિષ્ઠા મહોત્સવ 19મી ફેબ્રુઆરીના દિવસે શુભારંભ થયા બાદ 21મી ફેબ્રુઆરીના રોજ સંપન્ન થતાં ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ હતી, તેમજ આ મહોત્સવમાં રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, બ્રહ્મસમાજના અગ્રણીઓ, વડીલો, ભાઈઓ, બહેનો સહિત ગામના તમામ લોકો તેમજ શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવની દબદબાભેર પ્રતિષ્ઠા કરી કાર્યને સાર્થક બનાવ્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ