મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને ભગાડી, બન્નેએ ટ્રેન સામે ઝંપલાવતા મોત

સુરત,
ઓલપાડ તાલુકાના કીમ રેલ્વે સ્ટેશન નજીક રાત્રીના બે અજાણ્યા યુવક યુવતીના ટ્રેન અકસ્માતમાં મોત થવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી.ત્યારે બન્ને યુવક યુવતી મૂળ ઉત્તરપ્રદેશના હોય જેમાં યુવક મુસ્લિમ અને યુવતી હિન્દુ હોવાનું જાણવા મળતા બન્નેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતીના પિતાએ ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ યુવક વિરુદ્ધ ભગાડી ગયો હોવાની ફરિયાદ પણ નોંધાવેલી છે.
આ અંગે રેલવે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કીમ રેલ્વે સ્ટેશન નજીક ગત રાત્રિના યુવક અને યુવતીના મૃતદેહો રેલવે ટ્રેક પાસે મળી આવ્યા હતા. મોડી રાત્રે ૧૦ વાગ્યાના સમયગાળામાં ડાઉન લાઇન પર જતી કોચીવલ્લી એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાતા ઘટના સ્થળે જ બન્નેનું કમકમાટીભર્યું મોત રહસ્યમય સંજાગોમાં થવા પામ્યું હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ કીમ રેલવે સત્તાધીશોને થતા કોસંબા રેલવે પોલીસને જાણ કરી સદર દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળેથી બન્ને મૃતક યુવક યુવતીના જરૂરી દસ્તાવેજ મળી આવ્યા હતા. જે આધારે પોલીસે શરખેલ, ઉત્તરપ્રદેશ ખાતે તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવતા યુવક મૂળ ઉત્તરપ્રદેશના શરખેલપુર, કંધાઈ, જિલ્લો પ્રતાપગઢનો રહેવાસી શાહબાજ ખાન બાદશાહ ખાન હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.