મોટેરા સ્ટેડિયમમાં ગરમીના કારણે લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા, ૧૦ બેભાન

અમદાવાદ,
પત્રકાર પડી જતા હોસ્પિટલમાં દાખલ, કેટલાકને ઉલટીઓ થઈ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજે ‘નમસ્તે ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ૧૨ વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ગરમીના કારણે કેટલાક લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા હતા. જેને કારણે ૧૦ લોકો બેભાન થઈ ગયા હતા તો કેટલાક લોકોને ઉલટીઓ થઈ હતી. જેને કારણે તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક પત્રકાર પણ નીચે પડી જતા તેમને ઇજા થઈ હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈપણ ઈમરજન્સી માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. ઉપરાંત ખાનગી હોસ્પિટલની પણ એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી.