વિશ્વામિત્ર ચીટફંડ કંપનીના ડિરેક્ટરોને પકડવા એસપી-ક્રાઇમ બ્રાન્ચને એજન્ટોની રજૂઆતો

- ચીટફંડ કંપનીના માલિકો દેશ છોડી ભાગી જાય તે પહેલા પકડવા રાજકોટમાં નવનિર્માણ સેનાની માંગ
રાજકોટ,
ગુજરાત માંથી ૧૭૫ થી વધારે લેભાગુ કંપની ઓ ફરાર થઇ ગઇ છે એમાથી એક વિશ્વામીત્ર ઇન્ડીયા પરિવાર નામની કંપની કે જે ગુજરાતમાથી આશરે ૩૭૫ કરોડથી વધારે રકમ લઇને ફરાર થઇ ગઇ છે. આ કંપની વિરુદ્ધ રાજકોટ સી.આઇ.ડી., જુનાગઢ સી.આઇ.ડી., સુરેન્દ્રનગર સી.આઇ.ડી. તથા ગાંધીનગર સી.આઇ.ડી. માં એફ.આઇ.આર દાખલ કરેલી છે. રાજકોટ સી.આઇ.ડી.માં એફ.આઇ.આર દાખલ થઇ તેને આશરે બે વર્ષ થવા આવ્યા પણ આરોપીઓ પકડાયા નથી,
આ કંપનીના મુખ્ય ડીરેકટર મનોજકુમાર ચંદ જે જયપુરની સેન્ટ્રલ જેલમાં છે અને બીજા ડીરેકટરો યુપી માં છે તેમાં વંદનાચંદ, પંકજ ચંદ, મનિષ ચંદ તથા ગુજરાતના મુખ્ય અધીકારી લક્ષ્મીકાંતસિંઘ (એલ.કે. સિંઘ) મુળ યુપીના રહેવાસી હાલ અંકલેશ્વર તથા રાજકોટના અધીકારી અકરમ અંશારી( મુળ યુપીના રહેવાસી હાલ રાજકોટ,) રીઝવાન અંશારી, નુરઆલમ અંશારી, વનરાઝ આલોકીયા વિગેરેનો સમાવેશ થાય છે. કંપનીના ડીરેકટરો અને અધીકારીઓ દેશ છોડીને જતા રહે તે પહેલા પકડવાનો આદેશ આપવામાં આવે તેવી નવ નિર્માણ સેનાના ઉપપ્રમુખ રાજેશભાઈ છગનભાઇ પરમાર સહિતના એજન્ટ ભાઈ, બહેનોની માંગ છે.
રજુઆતમાં એજન્ટો દ્વારા એવી દહેશત વ્યક્ત કરાઈ છે કે સરકાર દ્રારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આ ડીરેકટરો કંપનીની પ્રોપર્ટી વેંચી મારી, ભાગબટાઇ કરી દેશ છોડીને જતા રહેશે અને ગુજરાતની ગરીબ જનતાને રાતા પાણીયે રોવાનો વારો આવશે. ત્યારે કંપનીના ડીરેકટરોને પકડી પાડી, કંપનીની પ્રોપર્ટી જપ્ત કરી, ગરીબ માણસોની મૂડી ઝડપથી અપાવવા અપીલ કરાઈ છે.
રજુઆતમાં જણાવાયું છે કે, મોદીસાહેબની સરકાર દ્વારા દેશભરમાં ગરીબોના પૈસા ઉસેડીને સંસ્થાઓ, નોન બેકિંગ ચીટફંડ કંપનીઓ સામે નવો કાયદો ચીટફંડ (સંશોધન) વિધેયક બીલ ૨૦૧૯ લાગુ કરવામાં આવ્યું છે. આ બીલથી આવા કાયદાથી ગ્રાહકો ને ૧૮૦ દિવસમાંજ તેઓના પૈસા મળી જાય તેવી શરતો અમલી બનાવાઈ છે અને આ માટે એટલે કે ચિટફંડ કંપનીઓમાં ફસાયેલા ગ્રાહકોના નાણા વસુલવા. દેશની જે તે રાજય સરકાર ને સંપૂર્ણ સતા અપાઇ હોવાનું બીલમાં ઉલ્લેખાયેલુ છે.
એટલુ જ નહિ આવા કાયદા મુજબ રાજય સરકાર ચીટફંડ કંપનીઓના બેંક ખાતા સીઝ કરવા ઉપરાંત આવી કંપની ઓની પ્રોપર્ટી વેચીને પણ ગ્રાહકો ને પૈસા પરત અપાવી શકે તેવી જોગવાઇઓ બતાવાઇ છે. ત્યારે સમસ્ત દેશમાં સૌ પ્રથમ આવા કાયદો ચિટફન્ડ (સંશોધન) વિધેયક બીલ ર૦૧૯ ની અમલવારી રાજસ્થાનની રાજય સરકાર દ્રારા અમલી બનાવાઇ છે અને ક્રમશ જુદા જુદા રાજયો માં આવો કાયદો અમલી બનાવાઇ રહયો છે પણ ગુજરાત રાજયમાં આ બાબતે હજુ કોઇ કાર્યવાહી આગળ ન ધપી હોવાથી ગરીબોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે.
ગુજરાત રાજયમાંથી આવી કંપનીઓ વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર, સ્કાયલાર્ક, રીયલ ઇન્ડીયા, મહેક ઇન્ડીયા અને આદર્શ કંપની કે જે ગરીબ ગ્રાહકો અને એજન્ટોના પૈસા લઇને ફરાર થઇ ગઇ છે, સ્થાનીક બેરોજગારોને નોકરી આપવાના બહાને એજન્ટો બનાવીને આવી કંપનીઓના સંચાલકો ડાયરેકટરો કરોડો રૂપીયા ભેગા કરી નાસી ગયા હોવાથી કમિશનથી કામ કરતા એજન્ટોની હાલત હાલના દિવસોમાં સાવ નાજુક બની ગઇ છે. આવી કંપનીઓ સાથે સંકળાયેલા એજન્ટો, ગ્રાહકો સાથે સબંધ જાળવવા ઘરની મીલકતો સોના, ચાંદિ અને વાહનો સહીતના સાધનો વેચીને ગ્રાહકો ને પૈસા આપવા મજબુર બન્યા છે આમ છતા ગ્રાહકોને પૈસા ન આપી શકતા હોય છેવટે એજન્ટો આત્મહત્યા જેવા મારગો અપનાવતા થઇ ગયા છે.
સૌથી વધુ દુઃખની વાત એ છે કે દેશની આર.બી.આઇ. દ્રારા જ આવી કંપનીઓને પૈસા ઉઘરાવવાના લાયસન્સો આપ્યા હોવાથી વિશ્વાસમાં આવી ગયેલા બેરોજગારો એજન્ટોએ ગ્રાહકોના પૈસા આવી કંપનીઓમાં ભરતા હાલ રોકાણકારો સહિત બધાની હાલત કફોડી બની ગઈ છે. બીજીબાજુ આવી કંપનીઓમાં નાણા રોકનારા ગ્રાહકો વાસ્તવિકતા ન સમજતા હોવાથી હવે આવી કંપનીના એજન્ટો પર ખોટા કેઇસો કરતા હોય ચિટફંડ (સંશોધન) વિધાયક બીલ તાત્કાલીક ગુજરાત રાજયમાં પણ તત્કાલિક અમલી બનાવવામાં આવે તેવી રજુઆતમાં માંગ કરાઈ છે.
કારણ કે સરકારી લાઇસન્સ જોઇને એજન્ટોએ આવી કંપનીઓમાં કામ કર્યુ હોય તેઓ વગર વાકે ગ્રાહકોના રોષનો ભોગ બનીને કાનુની કેઈસોના બનાવોમાં હેરાન પરેશાન થઈ રહયા છે. ત્યારે ગુજરાત રાજયમાં તાત્કાલીક ચિટફંડ (સંસોધન) વિધેયક બીલ અમલી બનાવી એજન્ટો પર થયેલી ખોટી ફરિયાદો કેઇસોને તાત્કાલિક ફાસ્ટ કોર્ટ દ્વારા નિવેડો લાવવામાં આવે તે જરૂરી છે.
સરકાર દ્રારા ફોડ કંપનીની પ્રોપટી વેચીને ઝડપથી ગરીબ લોકોની મરણ મૂડીઅપાવે તેવી માંગ કરતી રજૂઆતોની નકલ રવાના,ચીફ જસ્ટીશ ગુજરાત હાઈકોર્ટ, એસ.પી.શ્રી, રાજકોટ તેમજ રેન્જ આઇ.જી.શ્રી તથા ડી.જી.પી.શ્રી ગાંધીનગરને પણ મોકલાઈ હોવાનું રજુઆતમાં જણાવાયું છે.