‘મને એકલો પાડવાનો પ્રયાસ’ : નીતિન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાઈ

સામાન્ય રીતે ગુજરાતનાં ડે. સીએમ નિતીન પટેલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. નીતિન પટેલ છેલ્લાં ઘણાં સમયથી કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં પોતાની વ્યથા અને પોતાનો પક્ષ પ્રજા સામે મૂકતા આવ્યાં છે. ત્યારે એક વાર ફરી અમદાવાદમાં યોજાયેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં માં ઉમિયાનાં કાર્યક્રમ દરમિયાન નિતીન પટેલનાં નિવેદન બાદ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં
નિતીન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘મને એકલો પાડવાના પ્રયાસ થઈ રહ્યાં છે. પરંતુ સમયની સાથે સાથે હું યાદ આવી જ જાઉં છું. કારણ કે માં ઉમિયાનાં મારા પર આર્શિવાદ છે. તમે ટીવી અને ન્યુઝપેપરમાં પણ જોતા હશો કે એક બાજુ હું એકલો અને બીજી બાજુ બધાં છે. અહીં એમ જ નથી પહોંચાતું. પરંતુ આજે હું તમારા બધાના સહયોગથી બોલું છું અને એક પક્ષના કાર્યકર તરીકે બોલું છું. બધી જગ્યાએ મને જે યાદ આવવાનું હોય તે આવી જ જાય. કારણ કે માં ઉમિયાનાં મારા પર આર્શીવાદ છે. બીજા ઘણાંને નથી ગમતું અને બધી વાતો ભુલાવા મથે છે પણ નિતીનભાઈ ભૂલતા નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ નીતિન પટેલ આ રીતે કેટલાંક નિવેદનો આપી ચૂક્યાં છે. જો કે માત્ર આટલું જ નહીં, નાણાંમંત્રીનું ખાતું લેવા માટે પણ નીતિન પટેલને સંઘર્ષ કરવો પડ્યો હતો ત્યારે નીતિન પટેલને નાણાં ખાતું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂપાણી સરકાર અને પીએમ મોદીનાં કાર્યક્રમમાં પણ અવારનવાર નીતિન પટેલનાં નામનો ઉલ્લેખ ન હોવાનાં સમાચારો અગાઉ સામે આવ્યાં હતાં. ત્યારે નીતિન પટેલને પોતાની જ પાર્ટીની અંદર જ કેટલી લડાઈ લડવી પડે છે તેનું દર્દ અહીં આ કાર્યક્રમમાં છલકાઈ આવે છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેટલાંક ધારાસભ્યો પણ હાજર રહ્યાં હતાં.