પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્રારા હિંમતનગર ખાતે રૂરલ મીડિયા વર્કશોપ

- પત્રકારોએ પ્રજા અને સરકાર વચ્ચેનું માધ્યમ છે : જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ
- પત્રકારોએ સ્વસંહિતા અને પત્રકારત્વના કાયદા જાણવા જરૂરી : શ્રી ધીરજ કાકડિયા
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી સી.જે. પટેલ તથા પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી સી.જે. પટેલે પોતાના સંબોધનમાં પત્રકારોને જણાવ્યું હતું કે “સંવાદ હંમેશ જરૂરી છે. બે માધ્યમ વચ્ચે સંવાદ કાયમ રહેવો જોઈએ.પત્રકારોએ પ્રજા અને સરકાર વચ્ચેનું માધ્યમ છે, એટલે પત્રકારોએ સરકાર સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડી લોક સેવાનું કામ કરવું જોઈએ.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે પત્રકારત્વ વહિવટીતંત્રની આંખ ઉઘાડનાર છે. ગ્રામ્ય વિસ્તારના બનાવો સરકારી અધિકારી સુધી પહોંચાડવામાં સાબરકાંઠાના પત્રકારો મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પ્રસંગે પીઆઈબીના અપર મહાનિદેશકશ્રી ધીરજ કાકડિયાએ વર્કશોપમાં ઉપસ્થિત સર્વે પત્રકારોને આવકારતા પીઆઈબીની કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ‘વાર્તાલાપ’નો ઉદ્દેશ જિલ્લા સ્તરે કામ કરતા પત્રકારોને પીઆઈબીની કામગીરી અંગે માહિતગાર કરવાનો અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે.
શ્રી ધીરજ કાકડીયાએ સાબરકાંઠાના પત્રકારોને ‘પત્રકારત્વની આચાર સંહિતા’ વિષે વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતું કે “પત્રકારોએ સ્વસંહિતા જાણવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી નીતિ નિયમો અને પત્રકારત્વના કાયદા વિશે પણ જાણવું જરૂરી છે, એમાંય આજે સોશ્યલ મીડિયાના જમાનામાં કાયદાની જાણકારી હોવી દરેક પત્રકાર માટે આવકારદાયક છે.”
વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી કેતન ત્રિવેદીએ “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિશે બોલતાં જણાવ્યું હતું કે “બે જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય એટલે એક ભારત, શ્રેષ્ઠ ભારત, એમાય આજે સંવાદ સાથે સમન્વયની વાત કરવામાં આવે તો આજની પેઢી ભૂતકાળનું ધ્યાન રાખીને આવનારી પેઢીને જોડે તો દેશનું નિર્માણ થાય, આ એક ભારત શ્રેષ્ઠ ભારત છે.
ગ્રામીણ પત્રકારત્વના માંધાતા શ્રી મણિભાઈ પટેલે તેમના ઉદબોધનમાં ગાંધીજીના પત્રકારત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે ગાંધીજીનું પત્રકારત્વ પ્રજાલક્ષી હતું, તેના પાયામાં લોક શિક્ષણ, લોક ઘડતર, લોક જાગૃતિ અને સ્વયંશિસ્ત હતા. આજના પત્રકારોએ ગાંધીના પત્રકારત્વના પાયાના સિદ્ધાંતો, સત્ય, ભૂલ સ્વીકારની ભાવનાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ગાંધીજીએ કહ્યું હતું તેમ પત્રકાત્વ એક વહેતા ધોધ જેવો છે, જે ગામ અને પાકનો વિનાશ નોતરી શકે છે. એટલે પત્રકારોએ પોતાની આચાર સંહિતા બનાવી જોઈએ.
સેમિનારના છેલ્લા તબક્કામાં વરિષ્ઠ પત્રકારશ્રી દિલીપસિંહ ક્ષત્રિયએ પીઆઈબીની કામગીરી વિશે તેમજ ફેક ન્યૂઝને કઈ રીતે અટકાવી શકાય એ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)