જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી, પરિવાર બહાર નીકળી જતા દુર્ઘટના ટળી

વડોદરા,
વડોદરા શહેરના ફતેપુરા ચાર રસ્તા પાસે મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને બચાવ કામગીરી કરી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
વડોદરા શહેરના ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલા એક જર્જરિત મકાનની દીવાલ આજે સવારે ધડાકાભેર તૂટી પડી હતી. દીવાલ ધડાકાભેર તૂટતા જ મકાનમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દરમિયાન બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કર પ્રતાપભાઇ ડામોર સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને જી.ઇ.બી., કોર્પોરેશનના ગેસ લાઇન વિભાગ અને નિર્ભયતાની ટીમની મદદ લઇને પડી ગયેલી દીવાલનો કાટમાળ દૂર કર્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ મકાનની દીવાલ પડતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે પોલીસ પણ પહોંચી ગઇ હતી.