થરાદ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા

થરાદ પંથકમાં ગુરુવારના રોજ સવારથી જ વાદળગ્રસ્ત વાતારણ બની જતાં જગતનો તાત મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે, જોકે શિયાળું સિઝનની પાક લણણી કરવાનો સમય પાકી જવાના સમયે જ વાદળનો માંડવો રોપાતા અન્નદાતા મૂંઝવણમાં મુકાયા છે. શિયાળું પાકની સિઝન ભરપુર સુશોભનથી ખીલેલી બની ગઈ હતી ત્યારે જ તીડના જોરદાર આક્રમણથી ખેડૂતોના વાવેતર પાકો નષ્ટ કરી દેવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, જોકે તીડના આક્રમણથી થયેલ નુકશાનની યાદ ભૂલાઈ નથી એવામાં જ અચાનક સવારથી આકાશમાં વાદળો ઘેરાતાં ખેડૂતોમાં મુંઝવણની અનુભૂતિએ સજજ કરી લીધા છે. જોકે બપોર બાદ જોરદાર પવન ફુંકાયા બાદ કમોસમી વરસાદી છાંટા પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, અને સવારથી જ વાદળોના ગોટેગોટા નજરે પડતા જોવા મળ્યા હતા.
અગાઉ થરાદ સહિત આજુબાજુના અમુક વિસ્તારોમાં તીડોએ ઊભા પાકોને નષ્ટ કરવાથી ખેડૂતો પાયમાલ બની જતાં ખેડૂતોને માથે ખર્ચાળનો બોજ વધી ગયો હતો, ત્યારે ફરીથી વાદળોથી સમગ્ર વાતાવરણ ગમગીન બની જતાં ખેડૂતોને પાકો પર અસર થવાના ભયથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. ખેડૂતોનું ભરણપોષણ ખેતી આધારિત છે ત્યારે તીડ કે કુદરતી હોનારતને કારણે ઊભેલા પાકોમાં બગાડ આવતાં ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ જવાના ભયથી અન્નદાતાનો જીવ તાળવે ચોંટી ગયો છે, ત્યારે વાદળગ્રસ્ત બનેલ વાતાવરણ કેટલા દિવસ રહેશે, અને વધું સમય રહેશે તો ખેડૂતોના પાક પર શું કંઈ અસર તો નહીં સર્જાયને તેમજ વાદળોના ગોટેગોટા બાદ કમોસમી વરસાદ તો નહીં ત્રાટકેને તેવી મૂંઝવણ ખેડૂતોને સતાવતી હોઈ ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત (થરાદ)