TIk Tok વીડિયો પર સસ્પેન્ડ થઈ હતી મહિલા કોન્સ્ટેબલ, આજે બની ગઈ સ્ટાર

અમદાવાદ: દુનિયામાં ક્યારે કોની કિસ્મત ચમકી જાય અને તે લોકપ્રિય થઈ જાય, તેનો અંદાજો કોઈને નથી હતો. આવું જ કંઈ થયું છે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી સાથે. થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલને મહિલા પોલીસ ચોકીમાં TikTok વીડિયો બનાવવા પર સસ્પેન્ડ કરવામાં આવી હતી. જો કે તેને ક્યાં ખબર હતી કે, જે વીડિયોના કારણે તેના પર એક્શન લેવાઈ રહી છે, તેનાથી તેની જિંદગી બદલાઈ જશે.
TikTok વીડિયો સામે આવ્યા બાદ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આટલું જ નહીં તેનું ગુજરાતી આલ્બમ “TikTokની દીવાની” તાજેતરમાં જ લોન્ચ થયું છે. અર્પિતાના આ વીડિયો રિલીઝ થયા બાદ ત્રણ દિવસોની અંદર લગભગ 2 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ આલ્બમના ગાયક જિગ્નેશ કવિરાજ છે, જ્યારે ગીત મનુ રબારીએ લખ્યું છે.
આ સિવાય અર્પિતાનો વધુ એક વીડિયો લોન્ચ થયો છે. એક ધાર્મિક વીડિયોમાં તો અર્પિતાએ ગીત પણ ગાયુ છે. આટલું જ નહી “કાચી કેરી-પાકી કેરી” નામના આલ્બમમાં ધવલ બારોટ નામના અભિનેતા સાથે કામ પણ કર્યું છે. આ અંગે અર્પિતાએ જણાવ્યું કે, તેને અનેક ફિલ્મોની ઓફર પણ મળી છે, પરંતુ તે પોતાના ઉપરી અધિકારીઓની પરવાનગીની રાહ જોઈ રહી છે. તેણે જણાવ્યું કે, પોતાના સસ્પેન્શન બાદ તેણે 4 વીડિયો આલ્બમોમાં કામ કર્યું. જેમાં “અર્બુદા માઁ” પણ સામેલ છે.
હાલ અર્પિતા કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અર્પિતા ચૌધરીનું કહેવું છે કે, જ્યારે પણ હું કોઈ કેસની તપાસ માટે બહાર જઉ છુ, તો લોકો મારી સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. જણાવી દઈએ કે, ગુજરાતના મહેસાણા જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનની અંદર ફિલ્મી ગીત પર TikTok વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જે બાદ અર્પિતા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આખરે અર્પિતાને નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આધાર આપીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.