જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા’પુસ્તક વાચક સ્પર્ધા’નુ આયોજન

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય-ભારત સરકાર દ્વારા શાળા શિક્ષણ માટેની સંકલિત યોજના ‘સમગ્ર શિક્ષા’ શરૂ કરવામાં આવેલ છે. સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ટીચર એજ્યુકેશનની કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓના એકત્રીકરણથી ‘સમગ્ર શિક્ષા’ અમલમાં આવેલ છે. સમગ્ર શિક્ષાના વિવિધ ઉદ્દેશોની આપૂર્તિ માટે શાળા પુસ્તકાલય અને એના અસરકારક ઉપયોગ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે.
જેના ભાગરૂપે શાળા પુસ્તકાલયને સમૃદ્ધ બનાવવા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાંચનનું મહત્વ વધે તે હેતુસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાની ‘પુસ્તક વાચક સ્પર્ધા’નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા તથા સુરત મહાનગરમાંથી યુ.આર.સી. કક્ષાએ વિજેતા ધોરણ-૬ થી ૮ તેમજ ધોરણ-૯ અને ધોરણ-૧૧ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને સીથાણના સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશ મહેતાએ સ્પર્ધાની સમગ્ર રૂપરેખા સમજાવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાંચનનું મહત્વ ખુબ જ છે.તેમણે ઉમેર્યું હતું કે નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૧૭ના તારણ મુજબ જે વિદ્યાર્થીઓ શાળાના પુસ્તકાલયના પુસ્તકોનો મહાવરો ધરાવે છે તે વિદ્યાર્થીઓનું શિક્ષણનુ સ્તર ઉચ્ચ છે.
સ્પર્ધાના કન્વીનર એવા નારણભાઈ જાદવ (મદદનીશ કો-ઓર્ડીનેટર,પ્લાનિંગ એન્ડ મોનીટરીંગ, સુરત)એ આ પ્રસંગે જણાવ્યું હતું કે પાઠ્યસામગ્રીના વાંચન મહાવરા સાથે શરૂઆતથી જ વિદ્યાર્થીઓ પુસ્તકાલયના પુસ્તકો, સંદર્ભ સાહિત્ય, વર્તમાનપત્ર, સામયિકો વગેરે સમજપૂર્વક વાંચે તે મહત્વનું છે. વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણ યુક્ત વાંચન કૌશલ્ય કેળવાય તો જ તમામ વિષયોનું પ્રત્યાયન સંભવ બને, આ લક્ષ્યાંકની પૂર્તિ માટે આવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ-સ્પર્ધાઓ યોગ્ય સાબિત થશે.
સ્પર્ધાના અંતે નીચે મુજબના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. ધોરણ-૬ : ક્રિસા કે.આહિર (કુદિયાણા પ્રા.શાળા, તા.ઓલપાડ),ધોરણ-૭ : જુહી સંતોષસિંહ (કનકપુર પ્રા. શાળા,તા.ચોર્યાસી),ધોરણ-૮ : વેન્સી વી.પટેલ (સરસ પ્રા.શાળા, તા.ઓલપાડ),ધોરણ-૯ : કૃપાંશી એ.પટેલ (એમ.આર.સી.હાઇસ્કુલ,દિહેણ તા.ઓલપાડ),ધોરણ-૧૧ : પ્રિયંકા આર.ભદારિયા(કન્યા વિદ્યાલય,અસ્તાન તા.બારડોલી). વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ પુસ્તક ખરીદી માટેના ગિફ્ટ વાઉચર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ તમામ વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિજય પટેલ (સી.આર.સી.કરંજ), રાકેશ મહેતા (સી.આર.સી.સીથાણ), કપિલા ચૌધરી (સુરાલી,તા.બારડોલી), નિખીલ પટેલ (બી.એડ.કોલેજ,કાછબ તા.મહુવા), નિલેશ પટેલ (સાહિત્યકાર, ઓલપાડ) તથા મેઘા દેસાઈ (ગ્રંથપાલ,એલ.ડી.હાઇસ્કૂલ,સચિન)એ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. એમ જિલ્લાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.