ભારતમાં તમામ ટ્રેનો ઉપરાંત મેટ્રો ટ્રેનો 14મી એપ્રિલ સુધી રદ

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવાયું છે. ભારતીય રેલવેએ પણ ઐતિહાસિક નિર્ણય લેતા તમામ પ્રવાસી ટ્રેનોને 14 એપ્રિલ સુધી પાટા પર દોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 14મી એપ્રિલ મધરાત સુધી તમામ પ્રવાસી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. અગાઉ રેલવેએ 22 માર્ચના રાત્રે 12 કલાકથી લઈને 31 માર્ચ સુધી તમામ પ્રવાસી ટ્રેનો રદ કરવાનો નિર્ણય કર્યો હતો. રેલેવેએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે ફક્ત માલગાડીઓને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિર્ધારિત સ્થળો સુધી પહોંચાડવા માટે માલગાડીઓ દોડાવવાનું ચાલુ છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી.ટ્રેન છૂટ્યા બાદના 45 દિવસ સુધી ટિકિટ કેન્સલ કરાવી શકાશેઅખબારી યાદીમાં આપેલી માહિતી મુજબ તમામ મેલ, એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો ઉપરાંત મેટ્રો ટ્રેનો 14મી એપ્રિલ સુધી રદ કરવામાં આવેલ છે.
રદ ટ્રેનોમાં પ્રીમિયમ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. તમામ ઝોનલ રેલવે કડક રીતે આ આદેશનું પાલન થાય તેની તકેદારી લે. અગાઉ રેલવેએ જાહેરાત કરી હતી કે તમામ પ્રવાસી ટ્રેનોનું એડવાન્સ બુકિંગ કરાવનાર પેસેન્જરને રીફંડ આપી દેવામાં આવશે અને સાથે જ ટ્રેન છૂટ્યા બાદના 45 દિવસ સુધી ટિકિટ કેન્સલ કરાવી શકાશે.