સેનેટાઇઝરના નામે દારૂની ખેપ મારનારા બે પકડાયા
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરીને તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી છે ત્યારે અમદાવાદમાં બે બૂટલેગરોએ દારૂની હોમ ડીલીવરીનો અનોખો કીમિયો અજમાવ્યો હતો પરંતુ સેનેટાઇઝર સર્વિસનું બેનર લગાવીને દારૂની પોટલીઓ લઇ નિકળેલા બન્ને ઝડપાઇ ગયા હતા. કારણ વગર કોઇને પણ બહાર નિકળવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે જ લોકોને બહાર જવા દેવામાં આવી રહ્યા છે. ત્યારે અકારણ બહાર નિકળેલા કેટલાક લોકોને પોલીસ દંડી પણ રહી છે. બહેરામપુરામાં સેનિટાઇઝર સર્વિસ લખેલી એક એક્ટિવા પકડવામાં આવી હતી. જેની તપાસ કરાતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક લાલ કલરની એક્ટિવા આવી હતી. એક્ટિવા પર સેનિટાઇઝિંગ સર્વિસ, ગવર્નમેન્ટ એપ્રુવડ તેવું બોર્ડ મારેલું હતું. જોકે તેમને અટકાવતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી તેની તપાસ કરાતા તેની ડિકિમાંથી દેશીદારૂની પોટલીઓ મળી આવી હતી. પોલીસે બંન્નેની અટકાયત કરી હતી. પોલીસે મનોજ સોલંકી અને પ્રકાશ પરમારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૬૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હાલ દેશીદારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પુછપરછ ચાલુ કરી છે. આમાં કોઇ બુટલેગરનો હાથ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.