વડોદરાની હોસ્પિટલમાં પૂરતો રક્ત પુરવઠો મળી રહે તે માટે  કલેકટર દ્વારા કરવામાં આવ્યું સંકલિત આયોજન

વડોદરાની હોસ્પિટલમાં પૂરતો રક્ત પુરવઠો મળી રહે તે માટે  કલેકટર દ્વારા કરવામાં આવ્યું સંકલિત આયોજન
Spread the love

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને શહેરની બ્લડ બેંકોનો મળશે સહયોગ… દરેક બ્લડ બેંકને અલાયદું વાહન ફાળવવામાં આવ્યું:

રક્તવાહિનીમાં રક્તદાતાઓ આવશે અને રક્તદાન કરશે..

વડોદરા,
રાજયમાં એક નવીન પહેલના રૂપમાં અને કોરોના ને લીધે કરવામાં આવેલા લોક ડાઉન દરમિયાન એક આગવી પહેલ રૂપે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સરકારી અને સંસ્થાઓ સંચાલિત બ્લડ બેંકો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે,આ સમયગાળા દરમિયાન રક્તનો પુરવઠો જાળવી રાખતું આગવું આયોજન કર્યું છે.આજે તેમણે આ આયોજન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્લડબેંકોને કામચલાઉ વ્યવસ્થારૂપે ફાળવવામાં આવેલી રક્તવાહિનીઓને રેલવે પોલીસ પરેડ મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દવાખાનાઓમાં હાલમાં રક્તનો પુરવઠો ઉપલબ્ધ છે. પરંતુ હાલની પરિસ્થિતિને અનુલક્ષી ને સાવચેતીના આગવા પગલાં તરીકે આ આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેકટરે સોમવારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ અને રક્ત બેન્કોના હોદેદારો સાથે બેઠક યોજી આખી રૂપરેખા સમજાવી હતી અને સહુ એ તેના અમલમાં સહયોગી અભિગમ દર્શાવ્યો હતો.હાલમાં વાહન ચાલક સાથે ૧૨ રક્તવાહિનીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,વડોદરા રોજે રોજ આ વ્યવસ્થાનું મોનીટરીંગ અને સંકલન કરશે.
વડોદરામાં ૬ બ્લડ બેંક છે અને તેમને દરેકને શહેરના બે વોર્ડ અને અલાયદી રક્ત વાહિની આપવામાં આવશે એવી જાણકારી આપતાં ડૉ.મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે દરેક બ્લડ બેંક પાસે પોતાના રક્ત દાતાઓની યાદી છે.આ બ્લડ બેંકના કોલ સેન્ટર દ્વારા દરરોજ રક્ત દાતાઓનો કોલ થી સંપર્ક કરવામાં આવશે. ઇચ્છુક રક્તદાતાઓને વાહનમાં બ્લડ બેંક ખાતે લાવવામાં આવશે અને રક્તદાન પછી પાછા એમના નિવાસ સ્થાને મૂકી આવવામાં આવશે.
રક્ત વાહિનીના વાહનચાલકોને માસ્ક અને સેનિટાઇઝર આપવાની સાથે જરૂરી તાલીમ આપવામાં આવી છે. તેઓને અવારનવાર વાહનના ડોરહેન્ડલને પણ સેનિટાઇઝરથી સેનીટાઇઝ કરતા રહેવા પણ સૂચના આપવામાં આવી છે. આમ, પરંપરાગત રીતે રક્તદાન શિબિર યોજ્યા વગર બ્લડબેન્કોને રક્ત પુરવઠો મળી રહેશે અને લોક ડાઉન દરમિયાન સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની અનિવાર્યતાનું પણ પાલન થશે. સયાજી અને જી.એમ.ઇ.આર.એસ.ની બ્લડ બેંકને બે-બે રક્ત વાહિનીઓ ફાળવવામાં આવી છે. કુલ ૧૨ રક્તવાહિનીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીએ હાલના સંજોગોને અનુલક્ષીને નિયમિત રક્ત દાતાઓ ને તેમની પોતાની બ્લડ બેંકોનો સંપર્ક કરી રક્તદાન કરવા અનુરોધ કર્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!