પાક.ની અવળચંડાઇનો જડબાતોડ જવાબ ચોકીઓનો કચ્ચરઘાણ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ પાકિસ્તાની સૈન્ય અવળચંડાઇ કરી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી ગોળીબારનું પ્રમાણ પણ વધારી દીધુ છે જ્યારે ગ્રામીણ વિસ્તારોને પણ ટાર્ગેટ કરવા લાગ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્યએ પણ આક્રામક રીતે જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. શુક્રવારે ભારતીય સૈન્યએ ઇટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. અને પાકિસ્તાનની અનેક ચોકીઓનો ખાતમો બોલાવી દીધો હતો એક સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્યએ કુપવાડામાં કેરણ સેક્ટરમાં આક્રામક રીતે જવાબ આપ્યો છે. શુક્રવારે બપોર બાદ ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરતા પાક.ની અનેક ચોકીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. એલઓસી પર પાકિસ્તાની સૈન્યના લોંચપેડ ઉપરાંત આતંકીઓના ઠેકાણા પર ભારે ગોળીબાર કર્યો હતો.
કોરોના વાઇરસની મહામારીથી ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સૈન્ય ગોળીબાર કરી રહ્યું છે અને આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા પાકિસ્તાને ઘુસાડેલા પાંચ આતંકીઓને સરહદે સૈન્યએ ઠાર માર્યા હતા છેલ્લા એક સપ્તાહથી પાક. નાના મોટા હથિયારો મોર્ટાર મારાથી ગોળીબાર કરવા લાગ્યું છે. ગત સપ્તાહે પાક.ના ગોળીબારમાં છ ભારતીય જવાનો ઘાયલ થયા હતા. બીજી તરફ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે. જ્યારે બીએસએફ વધુ એલર્ટ રહીને ચાંપતી નજર રાખે તેમ પણ કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ સરહદેથી પણ ઘુસણખોરીની શક્યતાઓ છે તેથી આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઇ પણ દેશમાંથી સરહદ પાર કરીને કોઇ ઘુસણખોરી ન કરે તેની તકેદારી રાખવી.