પીએમ મોદીનું મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રસંબોધન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ રોગચાળા મામલે આવતીકાલે, મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જાણકારી વડા પ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ફેલાવો દેશમાં રોકવા માટે વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા 21-દિવસના દેશવ્યાપી લોકડાઉનમાં આવતીકાલનો દિવસ છેલ્લો છે. આ લોકડાઉન 25 માર્ચથી લાગુ કરવામાં આવ્યું હતું.
આ 21 દિવસના લોકડાઉન દરમિયાન દેશભરમાં હોસ્પિટલ, દૂધ-અનાજ, કરિયાણું વિતરણ, અગ્નિશામક દળ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને બાદ કરતાં શાળા-કોલેજો, લાંબા અંતરની તેમજ ઉપનગરીય ટ્રેન સેવા, એસ.ટી. બસ સેવા, ખાનગી વાહનવ્યવહાર, વિમાન સેવા, બંદરગાહ ખાતેની કામગીરીઓ, ખાનગી ઓફિસો, મકાન બાંધકામ સહિત તમામ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ છે. આ 21 દિવસના લોકડાઉન સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અને મૃત્યુના કેસો વધી જતાં લોકડાઉનની મુદત લંબાવવામાં આવે એવી શક્યતા છે.