શ્રમિકોને પરત લાવવા સરકાર વ્યવસ્થા કરે : રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને મધ્ય-પૂર્વના દેશોમાં ફસાયેલા ભારતીય શ્રમિકોને પરત લાવવા માટે વિમાનની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને કારણે મધ્ય-પૂર્વમાં વેપાર-ધંધા બંધ હોવાને કારણે શ્રમિક ત્યાં મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
રાહુલે એક ટ્વીટ કરીને કહ્યું છે રે મધ્ય-પૂર્વમાં કોરોના વાઇરસના સંકટ અને વેપાર-ધંધા બંધ થવાને કારણે હજ્જારો ભારતીય શ્રમિકો ઘેરા સંકટમાં મુકાઈ ગયા છે અને ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. સરકારે આ ભાઈ-બહેનોને મદદ કરવાની જરૂર છે અને તેમને પરત ફરવા માટે વિમાનની વ્યવસ્થા કરવી જોઈએ. અને તેમને ક્વોરોન્ટાઇન કરવા જોઈએ. જો વિશેષ વિમાન દ્વારા ચીન, ઇરાન અને ઇટાલી સહિત અન્ય દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ જગ્યાએ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.