દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત : સરકાર
નવી દિલ્હી: ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું.
દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.