વડોદરા જિલ્લા કલેકટર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ કરજણની મુલાકાત લીધી

- કરજણ નગરમાં ફ્લેગ માર્ચ યોજી નગરજનોને પોતાની અને પરિવારની સુરક્ષા માટે ઘરમાં જ રહેવા કર્યો અનુરોધ..
વડોદરા,
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે કરજણ નગરમાં ફ્લેગ માર્ચ યોજીને લોક ડાઉન ના પાલન નું રેન્જ પોલીસ વડા શ્રી અભયસિંહ ચુડાસમા અને વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુધીર દેસાઈ સાથે નિરીક્ષણ કર્યું હતું.આ માર્ચ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવા,સુરક્ષિત રહેવા અને તમામ સાવચેતી અને તકેદારીઓ નું પાલન કરીને કોરોના ને ફેલાતો અટકાવવામાં યોગદાન આપવા જાહેર પ્રસારણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસ વડા શ્રી સુધીર દેસાઈએ જણાવ્યું કે કરજણ નગર અને તાલુકામાં લોક ડાઉન નું અસરકારક પાલન થઈ રહ્યુ છે.હાલમાં ગાઈડ લાઇન પ્રમાણે લોક ડાઉન નું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને લોકોનો સહયોગ મળ્યો છે.લોકોને માસ્ક પહેરવા અને અનિવાર્ય સંજોગો હોય તો જ પરવાનગી સાથે બહાર નીકળવા અને બહાર નીકળો ત્યારે સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની કાળજી લેવા અને સાબુથી હાથ ધોવા, સેનિતાઇઝર વાપરવા સહિતની તકેદારીઓ પાળવા સમજાવટ કરી છે.
કોરોના માં જે જાતે સુરક્ષિત અને ચેપ મુક્ત રહેવાની કાળજી રાખે એ પોતાના પરિવાર અને સમાજને સુરક્ષિત રાખી શકે એવી લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે લોક ડાઉન એટલે કે ઘરબંધિ નં પાલન શહેર જેટલું જ ગામડાઓ માટે પણ અગત્યનું છે.ફ્લેગ માર્ચ દરમિયાન કરજણ નગરમાં લોક ડાઉન ના પાલન ની સમીક્ષા કરી છે અને તે અસરકારક જણાયું છે.
તેમને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લોકો કોરોના સામે પોતાની અને પરિવારની સલામતી માટે લોક ડાઉન નું ચુસ્ત પાલન કરે ઘરમાં જ રહે અને સરકારની ગાઈડ લાઇન પ્રમાણેની તકેદારીઓ ઉચિત રીતે પાલન કરે અને તંત્રને સહયોગ આપે એવો ખાસ અનુરોધ કર્યો છે.આ પ્રસંગે પ્રાંત અધિકારી,મામલતદાર અને વિભાગીય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.