ધાનેરાના એક ગામમાં પાપી શખ્સે આખલાને ટ્રેકટર પાછળ ઘસડી કરી ક્રૂર હત્યા કરી

- જીવ સેવા એજ મહા સેવાને લગાવ્યું લાંછન
વર્તમાન સમયમાં કોરોના વાયરસ ધમધમી રહ્યો છે પરંતુ આવા કપરા સમયમાં એકબાજું અનેક માનવસેવા સહિત અણબોલ પશુ પક્ષીઓ માટે સેવા કાર્યો ચાલી રહ્યાં છે, જોકે વાસ્તવમાં ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામની એક ઘટના સામે આવી છે કે, જેમાં ગૌસેવાને નેવે મૂકીને આખલાની ક્રૂર હત્યા કર્યાની ચોંકાવનારી ઘટનાની સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આખલાની ક્રૂર હત્યા કરનાર શખ્સ સામે સમગ્ર પંથકમાં ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટના એવી છે કે ધાનેરા તાલુકામાં આવેલ રામપુરા છોટા ગામના નરાધમ ખેડૂતે અબોલ આખલાની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના આખલાને પોતાના ટ્રેકટર પાછળ ઘસડી સજારૂપ હત્યા કરી જીવ સેવા એજ મહા સેવાના સૂત્રની ઐસી કી તૈસી કરી નેવે મૂકતા સમગ્ર પંથકમાં ભારે ફિટકાર સાથે હાહાકાર મચી જવા પામ્યો છે. અણબોલ પ્રાણીની આવી ક્રૂર હત્યા જે કસાઈઓ પણ ન કરે એવું કૃત્ય એક ગૌ ભક્તે કરી તેના કલંકરૂપ છાંટા અનેક પશુ પ્રેમીઓ તેમજ ગૌભક્તો પર ઉડતા સાચા સેવાભાવી ગૌભક્તોની છબી ખરાબ કરી પાપનો ભાગીદાર બન્યો છે.
ધાનેરાના રામપુરા છોટા ગામના દયાહીન ડાકૂ સમાન શખ્સ પટેલ ખેંગારભાઈ હાજાભાઈ એ અણબોલ જીવતા નંદીને જાહેરમાં ગામના ગોંદરે ટ્રેકટર પાછળ બાંધ્યા બાદ જયા સુધી નંદી મૃત્યુ ના પામે ત્યાં સુધી આખા ગામમાં રોડ પર ઘસડવામાં આવ્યો, જ્યારે નંદી મૃત્યુ પામ્યો ત્યાર બાદ આખલાને પોતાના ખેતરમાં લઈ જઇ જમીનમાં દાટી દેવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ આખલાએ આરોપીના ખેતરમાં પડેલ અનાજ ખાઈ જતા ગુસ્સો ઉતારવા માટે ક્રૂર હત્યા કરી અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નંદીની હત્યા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આવા હત્યાચારી શખ્સ સામે ધર્મપ્રેમીઓ ફિટકાર વરસાવી રહ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ રામપુરા છોટા ગામના ગ્રામ લોકોએ ધાનેરા પોલીસને કરી હતી, જે બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આખલાને આરોપીના ખેતરમાં દાટેલ હોઈ સવને બહાર કાઢવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી કરી યોગ્ય તપાસ હાથ ધરી હતી. આરોપીએ આખલાને જાહેરમાં ટ્રેકટર પાછળ બાંધીને ઘસડી હત્યા કરી દેવામાં આવી હતી, જેના વીડિયો અને ફોટાઓ વાયરલ થતા અણબોલ નંદીની ક્રૂર હત્યા કરનારા વિકૃતમાનસ સામે પોલીસ કડકમાં કડક સજા ફટકારી ગૌવંશ હત્યા કરવાના પરિણામનો સ્વાદ ચખાડે તેવી સાચા ગૌભક્તો સહિત લોકોમાં માંગ ઉઠી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ શખ્સ સામે તટસ્થ તપાસ કરી શું કાર્યવાહી હાથ ધરે છે એતો આવનારો સમય જ સાબિત કરશે.
રિપોર્ટ : તુલસી બોધું, બ.કા.
(લોકાર્પણ દૈનિક)