આંગણવાડી બહેનોએ સગર્ભા બહેનોને પ્રદાન કરી અનોખી સેવા

- સગર્ભા માતાઓને આંગણવાડી મહિલાઓ દ્વારા કરાયું શાકભાજીનું વિતરણ
મહેસાણા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ નવા વિક્રમ સર્જાતો જાય છે ત્યાં ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસના આ વિક્રમને તોડવા લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનને વધુ ૧૭ મે ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમ્યાન રોજનું કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવતા સમાજના ગરીબ વર્ગને ધ્યાને રાખી સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડપેકેટ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું વિતરણ સતત અને અવિરત ચાલુ જ છે. તદ્દઉપરાંત રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા પણ પુરતો અનાજનો જથ્થો અર્પણ કરવામાં આવે છે.
લોકડાઉન બંદોબસ્ત સઘન અને કડક બનાવવા અર્થે ગુજરાતની મહેસાણા જિલ્લાની પ્રસાશન ટીમ અનોખી ભૂમિકા બજાવી રહી છે. ખેરાલુ પંથકમાં આંગણવાડી કેન્દ્રની લાગણીશીલ મહિલાઓ દ્વારા એક અનેરું સોપાન હાથ ધરવામાં આવ્યું છે. ખેરાલુ ઘટકમાં આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ જગ્યામાં સરગવો, ટામેટા, રીંગણ, મેથી વગેરે જેવી શાકભાજીનું વાવેતર કરી સદર શાકભાજી જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓને એક સમતોલિત આહાર તરીકે ગ્રહણ કરવા તેમને અર્પણ કરવામાં આવી. સગર્ભા સમયમાં માતા અને બાળકના સ્વાસ્થયની ચિંતા કરી પુરતો પોષણયુક્ત આહાર-ખોરાક માતા આરોગે જેથી કરીને બાળકમાં કુપોષણની ખામી ના સર્જાય તેવા મહાન ઉદેશ્યથી આ ભગીરથ કાર્ય આંગણવાડી મહિલા કાર્યકરોએ પૂરું પાડ્યું.
આમ, સ્ત્રી શક્તિ એ મહાન શક્તિ છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડી સમાજના સ્ત્રી વર્ગને પણ કોરોનાથી દુર રાખવા એક નવતર પ્રયાસ આંગણવાડી મહિલાઓએ હાથ ધર્યો હતો.