આત્મ નિર્ભર બનવા માટે ગ્રીન ઝોનના લોકો આગળ આવે

મુંબઈ: મોદીની ભાષામાં મહારાષ્ટ્રને આત્મ નિર્ભર બનાવવા માટે હવે ગ્રીન ઝોનના લોકોએ આગળ આવવાની આવશ્યકતા છે. આટલા દિવસ સુધી મહારાષ્ટ્રને બચાવવા માટે ઘરમાં રહ્યા છો અને કોરોનાને લડત આપી છે. હવે જે ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે, તેને માટે જો મનુષ્યબળ ઓછું પડ્યું તો જે-તે વિસ્તારમાં લોકોએ આગળ આવવાની આવશ્યકતા છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું કે કોરોનાનો જ્યાં પ્રસાર હજી સુધી થયો નથી તે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે અને આ વિસ્તારોને ગ્રીન ઝોનમાં જ રાખવાના છે.
આ વિસ્તારોમાં હવે ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ રાજ્યમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતી શ્રમિકો વતન ગયા હોવાથી જો ઉદ્યોગોને જરૂર હોય તો સ્થાનિક યુવાનોએ આ અછત પૂરી કરવી એ તેમની ફરજ છે. સોમવારે રાતે સોશ્યલ મીડિયા દ્વારા જનતાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ૩૧ મે સુધી દેશ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન છે. હું જ્યારે તમને સંબોધનકરવા આવું ત્યારે લોકડાઉનની જ જાહેરાત કરું છું એવું કદાચ તમને લાગતું હશે, પરંતુ આખી દુનિયામાં કોરોનાનો જવાબ કોઈની પાસે નથી. મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોનાની સંખ્યા વધી રહી છે.
કદાચ કેટલાક લોકોને એવો પ્રશ્ન થતો હશે કે હજી સંખ્યા વધી રહી છે તો અત્યાર સુધી શું કર્યું. આપણે માર્ચ મહિનાથી સાવચેતી લઈ રહ્યા છીએ. આથી જ અત્યારે દર્દીની સંખ્યા નિયંત્રણમાં રાખી શક્યા છીએ. કોરોનાની કડી તોડી શક્યા નથી, પરંતુ લોકડાઉનના સ્પીડ બ્રેકરને લીધે તેને નિયંત્રણમાં રાખવામાં આપણને ચોક્કસ સફળતા મળી છે, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આગામી સમયગાળામાં ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોનમાં લોકડાઉનને વધુ શિથિલ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં રાજ્યમાં ૫૦,૦૦૦ ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવી છે અને તેમાં પાંચ લાખ મજૂરોને રોજગાર મળશે, એમ જણાવતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉદ્યોગોને રાજ્યમાં લઈ આવવાની સ્પર્ધા થવાની છે. ૪૦ હજાર એકરથી વધુ જમીન નવા ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવી છે. નવા ઉદ્યોગપતિઓ કદાચ જમીન ખરીદી શકવાની ક્ષમતા ન ધરાવતા હોય તો તેમને ભાડેથી પ્લોટ આપવાની વ્યવસ્થા કરીશું.
.