ખંભાળિયા નજીક ટ્રક હડફેટે બાઈક સવાર યુવકનું મૃત્યુ

- દ્વારકા હાઈવે માર્ગ નજીક એક હોટલ પાસેથી પૂર ઝડપે જઈ રહેલા એક ટ્રકની અડફેટે બાઇક ચાલક વિપ્ર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું
આ કરુણ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા ભીખુભાઈ શામળાભાઈ અસ્વાર નામના ૩૪ વર્ષના બ્રાહ્મણ યુવાન ગઈકાલે સાંજે ચારેક વાગ્યે તેના જી.જે.૧૦ એ.કે. ૨૨૧૫ નંબરના મોટરસાયકલ પર આવી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે બે કિલોમીટર દૂર દ્વારકા માર્ગ નજીક પાયલ હોટલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક આવી રહેલા સી.એન.જી. ગેસ સિલિન્ડરના ટ્રક નંબર જી.જે.૨ ઝેડ ઝેડ. ૩૧૦૫ના ચાલકે ભીખુભાઈના બાઈકને અડફેટે લીધું હતું.
આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક ભીખુભાઈનું ઘટનાસ્થળે લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બનતા ગેસ સિલિન્ડર સાથેનો ટ્રક રોડની એકબાજુ ઉતરી ગયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયું જાણવા મળેલ છે. મૃતક યુવાનને બે પુત્રો તથા એક પુત્રી હોવાનું પણ જાણવા મળેલ છે. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ દીપકભાઈ શામળાભાઈ અસ્વારની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ અનિરુદ્ધસિંહ ઝાલાએ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)