ગુગલ ભારતમાં 75000 કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી : ગુગલ આવતા પાંચથી સાત વર્ષમાં ભારતમાં૭૫૦૦૦ કરોડનું રોકાણ કરશે એવી જાહેરાત ગુગલ અને આલ્ફાબેટના ચીફ ઍક્ઝિક્યુટીવ સુંદર પીચાઇએ સોમવારે કરી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીચાઇ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાર બાદ મોદીએ વેપાર જગતના માંધાતા ગણાતા વ્યક્તિઓ સાથે વૈશ્ર્વિક રોગચાળા કોવિડ-૧૯ અને નવા વર્ક કલ્ચર સહિત અનેક મુદ્દે ચર્ચા કરી હતી.
ગુગલ ફોર ઇન્ડિયા’ની છઠ્ઠી વાર્ષિક વર્ચ્યુઅલ ઇવેન્ટને સંબોધતા ઉપરોક્ત જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતા પાંચથી સાત વર્ષમાં ગુગલ ભારતમાં ૧૦ અબજ ડૉલર અંદાજે રૂ. ૭૫૦૦૦ કરોડનું રોકાણ કરશે.આ વિશે મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે સવારે સુંદર પીચાઇ સાથે અત્યંત લાભદાયક વાર્તાલાપ કર્યો. અમે અનેક વિષયો પર અને ખાસ કરીને ભારતના ખેડૂતો, યુવાનો અને વ્યવસાયિકોનું જીવન પલટવા માટે ટેક્નોલોજીના ઉપયોગ વિશે ચર્ચા કરી.
આ ચર્ચા દરમિયાન અમે કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન શરૂ થયેલા નવા વર્ક કલ્ચર વિશે પણ ચર્ચા કરી. સ્પોર્ટ જેવા ક્ષેત્રો માટે કોરોનાના રોગચાળાને લીધે ઊભા થયેલા વૈશ્ર્વિક પડકારો વિશે પણ અમે ચર્ચા કરી. ડૅટા સિક્યોરિટી અને સાઇબર સિક્યોરિટી વિશે પણ અમે વાતચીત કરી હતી.વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, શિક્ષણ હોય કે ડિજિટલ પેમેન્ટ તથા અન્ય ક્ષેત્રોમાં ગુગલના પ્રયત્નો વિશે જાણીને આનંદ થયો.પીચાઇએ આના જવાબમાં લખ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીજીતમે આપેલા સમય બદલ આભાર.
ડિજિટલ ઇન્ડિયા માટે તમારી દૃષ્ટિઘણી સકારાત્મક છે અને અમારા એ તરફ આગળ વધી રહેલા કામ બદલ ઉત્તેજિત છું.ગુગલ ફોર ઇન્ડિયા’ની છઠ્ઠી વાર્ષિક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદ પણ ભાગ લઇ રહ્યા છે.