ભારતીય શાસ્ત્રો અનુસાર જાણો ‘નમસ્કાર અને નમસ્તે’નું મહત્વ
પશુઓ, પક્ષીઓ, પૂર્વજો, દાનવો અને દેવતાઓને જીવન જીવવાના અમુક નિયમો હોય છે, પરંતુ મનુષ્યો અનિયમિત જીવનશૈલી જીવે છે જેથી તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી અલગ થઈ ગયા છે. મનુષ્ય જ વિશ્વને બગાડવામાં જવાબદાર છે. સનાતન ધર્મએ દરેક ક્રિયાને નિયમ સાથે જોડી દીધી છે. કોરોના વાઇરસ નામનો રોગ આજે આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે. જેના કારણે લોકોએ નમસ્તે કરવાનું બંધ કર્યું છે.
“કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર પૃષ્ઠે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ્.”
તમે જયારે સવારે ઉંઘમાંથી જાગો છો, ત્યારે સૌ પ્રથમ પથારી પર જ બંને હાથની હથેળી ખોલી બંનેને પાસે રાખો અને તેમની રેખાઓ જોઓ અને ઉપર આપેલા મંત્રનો જાપ કરો અને પછી હથેળીઓને ચહેરા પર ફેરવો. ત્યાર બાદ ભૂમિને નમન કરી પહેલા જમણો પગ નીચે મુકવો. પછી અન્ય કાર્ય કરવું જોઈએ. જેમાં પાંચ મિનિટ સુધી સંધ્યાવંદના કરવી જોઈએ. શાસ્ત્રો મુજબ કોઈપણ કામની શરૂઆત સંધ્યાવંદના પછી જ કરવી જોઈએ. સંધ્યા વંદનને સંધ્યોપાસના પણ કહેવામાં આવે છે. સંધ્યા વંદન ફક્ત સંધ્યાના સમયગાળા દરમિયાન જ કરવામાં આવે છે. સૂર્ય ઉદય અને સૂર્ય અસ્તના સમયગળાને સંધ્યાનો સમયગાળો કહેવાય છે. આ સમયે, મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.
ઘરની બહાર જતા પહેલા માતાપિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ. ત્યારબાદ પહેલા જમણો પગ બહાર મુકી સફળ મુસાફરી અને સફળ મનોકામનાની ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. લોકો એકબીજાને રામ-રામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ, હરિ ઓમ, સાંઇ રામ અથવા અન્ય રીતે શુભેચ્છા પાઠવે છે. પરંતુ સંસ્કૃત શબ્દ નમસ્કારનો ઉપયોગ લોકોને મળતી વખતે કરવામાં આવે છે અને નમસ્તે શબ્દનો ઉપયોગ જતા હોય ત્યારે થાય છે. વિદ્વાનોનું માનવું છે કે નમસ્કાર સૂર્યદય પછી અને નમસ્તે સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી હિન્દુઓએ તેમની અભિવાદન કરવાની અલગ અલગ રીતો ઘડી છે.