હેં ભાઇ…! કોરોનાના નિયમો માત્ર પ્રજા માટે…. ભાજપ પ્રમુખ માટે નથી…?

- સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના તો લીરેલીરા ઉડ્યા
- સૌરાષ્ટ્રમાં સીઆર પાટિલની સભાઓમાં સો. ડિસ્ટન્સિંગના ઊડી રહેલા ધજાગ્રા
- 300થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઈક સાથે રેલીમાં જોડાયા
કોરોના મહામારીમાં સોશિયલ ડિસટન્સિંગ સહિતના નિયમોનું પાલન બહુ જ જરુરી હોવા છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની તમામ સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગ્રા ઊડતા જોવા મળી રહ્યા છે. એટલે નિયમો માત્ર પ્રજા માટે અને સરકાર માટે નહીં તે પ્રશ્ન લોકોના મગજમાં ચકરાવી રહ્યો છે. રાજયમાં હાલ કોરોના વાયરસનો ભયાનક સ્વરુપ જોવા મળી રહ્યો છે. આ મહામારીમા સરકાર વારંવાર લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરી રહી છે. સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાના કારણે ઘણા એવા નિયમો પણ લાગુ કર્યા છે જેમાં લગ્ન પ્રસંગ હોય કે પછી ઘરમાં કોઈનું અવસાન થયું હોય તેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ચાલવાનું હોય છે. પરતું આવા નિયમો ફક્ત સામાન્ય માણસ માટે હોય છે તેવું જોવા મળી રહ્યું છે.
જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આરસી પાટીલ જયાં જાય છે ત્યા તેમના સ્વાગત માટે લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. પાટીલ ત્રણ દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે હતા તે દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના તો લીરેલીરા ઉડ્યા હતા. સીઆર પાટીલના આગમનને લઈ તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈ જાય છે અને સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે પરતું સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કે આવી જ રીતે કોઈ સામાન્ય માણસને ત્યાં પ્રસંગ કે કોઈ પણ કાર્યક્રમ હોય તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
સી આર પાટીલનું સ્વાગત કર્યા બાદ ગોંડલ ચોકડીથી લઇ આત્મીય કોલેજ સુધી સી.આર.પાટીલ પાછળ 300થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઈક સાથે રેલીમાં જોડાયા હતા. જે બાદ સી.આર.પાટીલની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જ્યારે unlock પાર્ટ 3ની ગાઈડલાઈન કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે unlock પાર્ટ 3 હેઠળ દેશમાં કોઈપણ જગ્યાએ રેલી સભા જાહેર મેળાવડા ધાર્મિક કાર્યક્રમો સહિતના પર પ્રતિબંધ લાદી દેવામાં આવી છે ત્યારે શા માટે ગુરૂવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી તેમજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેના જવાબમાં સી.આર.પાટીલે આ ગાઈડલાઈનની છણાવટ પોતાની રીતે કરી નાખી હોય તેમ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની કોઈપણ જગ્યાએ રેલી હોય તો તેમાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડતા હોય છે. વધુમાં તેવોએ કહ્યું કે, સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પ્રદેશ અધ્યક્ષ છે તે શહેર કે ગામમાં ઉપસ્થિત રહે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાની લાગણી દર્શાવવા એકઠા થતા હોય છે. તો સાથો સાથ જો કોઈ વ્યક્તિ પોતાની કારમાં ત્રણ જેટલા લોકો સાથે પ્રવાસ કરતા હોય તો તેને રેલીની વ્યાખ્યામાં નથી આવતું.
આ રેલીના તાયફા અને નિયમોની ધજીયા ઉડવા બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર રેમ્યા મોહનને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકો વિરુદ્ધ કલમ 144 ના ભંગ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા ફરિયાદ દાખલ કરવા આવેદન પત્ર પણ પાઠવ્યુ છે. પણ પગલા લેવાશે કે કેમ તે કોને ખબર..? હા પણ આ વાત થી સામાન્ય વર્ગ ના માનસપટ પર જે ભાજપની છબી ખરડાઈ છે અને નિયમો બધા સામાન્ય લોકોને જ લાગુ પડે બાકી નેતાઓને અને ખાસ કરીને સતાધારી પાર્ટીના નેતાઓને કે કાર્યકરોને આ નિયમો કે કાયદાઓ સાથે કોઈ લેવાદેવા નથી તે વાત આવી રેલીઓ સ્પષ્ટ કરે છે.