બાબરી વિધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટની નવી ડેડલાઇન 30 સપ્ટેમ્બર

- સ્પે. અયોધ્યા જજની વિનંતીને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા લંબાવાઇ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં ચુકાદો આપવા માટે સીબીઆઇ કોર્ટ માટે 30 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી મુખ્ય આરોપી છે. જસ્ટિસ રોહિંગ્ટન એફ નરિમાનના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે સ્પેશિયલ અયોધ્યા જજની વિનંતીને ધ્યાનમાં રાખીને અગાઉની સમયમર્યાદા લંબાવી છે. આ જજે આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાની સાથે આ કેસ પૂરો કરવા માટે થોડો વધારે સમય માંગતી અરજી પણ કરી હતી.
જે અંગે બેન્ચે તેના 19મી ઓગસ્ટના આદેશમાં જણાવ્યું હતું કે, “સ્પેશ્યલ જજ સુરેન્દ્ર કુમાર યાદવનો અહેવાલ વાંચ્યા પછી અને આ કાર્યવાહીઓ અંતના આરે છે તેને ધ્યાનમાં રાખતા અમે વધુ એક મહિનાનો એટલે કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપીએ છીએ. તેમાં ચુકાદા સહિતની બધી પ્રક્રિયાઓ પૂરી કરવાનો સમાવેશ થાય છે,” કેસમાં છેલ્લો આદેશ મે 2020માં આવ્યો હતો આ સંદર્ભમાં છેલ્લો આદેશ મેમાં આપવામાં આવ્યો હતો, જ્યારે બેન્ચે તે સમયે આ જ રીતે સ્પેશ્યલ જજની વિનંતીને ધ્યાનમાં રાખીને સીબીઆઇ કોર્ટને 31 ઓગસ્ટ 2020 સુધીમાં ચુકાદો આપવા કહ્યું હતું.
પ્રશાંત ભૂષણ મામલે અરુણ શૌરીએ સુપ્રીમ કોર્ટ સામે કરી દીધી બહુ મોટી વાત
બેન્ચે જણાવ્યું હતું કે ન્યાયાધીશ ટ્રાયલ પૂરી કરવા માટે પુરાવા તરીકે વિડીયો-કોન્ફરન્સિંગનો ઉપયોગ કરી શકે છે અને આ રીતે કેસને નિયત સમયમાં પૂરો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કેસ નિયત સમય મર્યાદામાં પૂરો થાય તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશો જારી કર્યા છે.
2017માં કોર્ટે બાબરી ધ્વંસને મોટો ગુનો ગણાવ્યો હતો
એપ્રિલ 2017માં કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસને મોટો ગુનો ગણાવ્યો હતો, જેના લીધે ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિકતાના તાણાવાણા હચમચી ઉઠ્યા હતા, તેણે અડવાણી અને બીજા લોકોને 1992ના આ કેસમાં વિવિધ આરોપો હેઠળ બીજા કારસેવકો સાથે જોઇન્ટ ટ્રાયલમાં મૂક્યા હતા. તેમની સામેના આરોપોમાં વિવાદાસ્પદ માળખુ ધ્વસ્ત કરવા માટે કાવતરુ કરવાનો સમાવેશ થાય છે. તેણે લખનઉ સીબીઆઇ કોર્ટને ચુકાદો આપવા બે વર્ષનો સમય આપ્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને 30મી સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થનારા ન્યાયાધીશ યાદવનો સમયગાળો લંબાવવા કહ્યુ હતુ, જેથી 28 વર્ષ જૂના કેસોના ટ્રાયલને ખતમ કરી શકાય. આ સમયે કોર્ટે જજને ટ્રાયલ પૂરો કરવા માટે બીજા નવ મહિનાનો સમય આપ્યો હતો.
કોરોનાના કારણે કેસના કાર્યવાહીમાં સમસ્યાઃ કોર્ટ
પરંતુ મેમાં ટ્રાયલ જજે ફરીથી લખ્યું હતું કે કોવિડ-19ના લીધે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના લીધે કાર્યવાહી કરવામાં સમસ્યા નડી રહી છે. તેના પગલે બેન્ચે જજ યાદવને 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો અને સૂચવ્યુ હતુ કે તે સાક્ષીઓ અને આરોપીઓના નિવેદન રેકોર્ડ કરવા વિડીયો-કોન્ફરન્સિંગનો આશરો લઈ શકે છે.
જુલાઇમાં અડવાણી-જોશીના વીડિયો કોન્ફ્રન્સિગથી નિવેદનો નોંધ્યા
ગત મહિને સ્પેશિયલ કોર્ટે વિડીયો-કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના પીઢ નેતાઓ અડવાણી અને મુરલી મનોહર જોશીના નિવેદનો નોંધ્યા હતા. તેઓએ તેમની સામેના આરોપો નકાર્યા હતા અ્ને જણાવ્યું હતું કે તેમની સામે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે વિવાદાસ્પદ માળખાના ધ્વંસમાં તેમની કોઈપણ ભૂમિકાને નકારતા જણાવ્યું હતું કે તેઓએ સમગ્ર દેશની એકતા અને અખંડિતતા પર અસર પાડે તેવા કોઈ કૃત્યમાં ભાગ લીધો નથી.
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા કલ્યાણસિંહ પણ સપ્ટેમ્બર 2019માં રાજસ્થાનના ગવર્નર તરીકે તેમનો કાર્યકાળ પૂરો કર્યા પછી આરોપી તરીકે જોડાયા હતા. બીજા ત્રણ જાણીતા આરોપીઓમાં ગિરિરાજ કિશોર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલ અને વિષ્ણુ હરિ દાલમિયા છે. તેઓ ત્રણેય તેમની સામેની કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.