કડી તાલુકાના 20 થી 25 ગામની જમીનોમાં હજુ સુધી પાણી ભરાયેલા, 32 ગામ મા મકાનો પડવાની ઘટના સામે આવી

- કડી તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાક નિષ્ફળ
- તાલુકાના 20 થી 25 ગામની જમીનોમાં હજુ સુધી ભરાયેલા છે વરસાદી પાણી
- વહીવટી તંત્રના સર્વે માં રૂ.23,42,000/- જેટલું મકાન પડવાની ઘટનામાં નુકશાન પહોંચ્યું છે
- તાલુકાના 32 ગામમાં મકાન પડવાની ઘટના સામે આવી છે જેમાં સૌથી વધુ વરખડીયા માં 10 મકાનો ધરાશાયી થયા છે
- તાલુકામાં 52,647 હેકટર થયેલા ચોમાસુ વાવેતરમાં 15 થી 20% જેટલું જમીનમાં નુકશાન થયું હોવાનું તંત્ર ના સર્વેમાં વિગતો મળી છે
કડી તાલુકામાં ચોમાસા દરમ્યાન પડેલા વરસાદ ના કારણે ખેડૂતોની જમીનમાં વાવણી કરી સારો પાક મેળવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.તંત્ર દ્વારા ખેડૂતોની નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કડી તાલુકામાં શનિવાર મોડી રાત થી રવિવાર સુધી અનરાધાર વરસેલા વરસાદથી તાલુકાના ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ખેડૂતોએ વાવેલા શાકભાજી,એરંડા,જુવાર જેવા વિવિધ પાકોમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયા છે.ખેડૂતોએ તંત્ર પાસે નુકશાની નો સર્વે કરી રાહત આપવા માંગણી કરતા ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકામાં મંગળવાર થી સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં એક જ દિવસમાં વીસ ટકા જેટલું નુકશાન ધ્યાનમાં આવ્યું છે.
કડી તાલુકા વિકાસ અધિકારી ઝાલા ના જણાવ્યા મુજબ તાલુકામાં 52,647 હેકટરમાં ચોમાસુ વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોએ જુવાર, શાકભાજી, એરંડા, કપાસ અને ડાંગર નું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં હાલ સર્વે ચાલુ હોવાનો અને આશરે 15 થી 20 ટકા જેટલું નુકશાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થયી છે. ખેતીવાડી ઉપરાંત તાલુકામાં ભારે વરસાદ થી કેટલાય મકાનો ધરાશાયી થયી ગયા છે.તાલુકાના 32 જેટલા ગામમાં મકાન પડી જવાની ઘટનાઓ સામે આવી છે જેમાં વરખડીયા ગામમાં સૌથી વધુ 10 જેટલા મકાનો માં ભારે નુકશાન પહોંચ્યું છે અને ધોરીયા ગામની પ્રાથમિક શાળાની દીવાલ તથા છત ભારે વરસાદથી પડી જવા પામી છે.વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધી રૂ. 23,42,000/- જેટલું નુકશાન ખાલી મકાનોમાં થયું હોવાની વિગતો બહાર આવી છે.