૨૦૦ની લાંચ લેતો હોમગાર્ડ વિનુભાઈ જાલમસિંહ પરમાર ઝડપાયો

- પોલીસ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારને શક પડતા સ્થળ પરથી લાંચની રકમ લઈ ભાગી ગયા
નડિયાદ, ખેડા જીલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર એસીબીએ દરોડો પાડયો છે. અમદાવાદ ઈન્દોર હાઈવે પર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસે લાંચ લેતા એક વ્યક્તિને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ખેડા જીલ્લાના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર પોલીસ તથા હોમગાર્ડના જવાનો દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવતા હોવાની રજૂઆત એસીબી અમદાવાદને મળી હતી. જેથી એસીબી દ્વારા ડીકોય તરીકે એક વ્યક્તિનો સહકાર મેળવી ટ્રેપનું આયોજન કરાયું હતું.
જેમાં વીનુભાઈ જાલમસિંહ પરમારે ડીકોયનું વાહન રોકી વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સેવાલીયા પોલીસ સ્ટેશનને મળવાનું જણાવ્યું હતું. જ્યારે વિક્રમસિંહને મળતા કાયદેસરની કાર્યવાહી ન કરી રૃપિયા બસોની માંગણી કરી હતી અને સ્વીકારી શક પડતા સ્થળ પરથી લાંચની રકમ લઈ ભાગી ગયા હતા. જ્યારે વિનુભાઈ જાલમસિંહ પરમાર સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા.