ખંભાળિયામાં અનોખો વિરોધ : ‘હે ખાડા દેવ, મારા ખંભાળિયાની પાલિકાને થોડાક સદબુદ્ધિ આપો !

- ખંભાળિયામાં જાહેર રોડ પર પડેલા ખાડાના પૂજન બાદ પ્રાર્થના કરાઇ
- મિલન ચાર રસ્તા પાસે જન અધિકાર મંચ ખાડામાં વધેર્યું નાળિયેર
ખંભાળિયામાં ભારે વરસાદથી ઠેર ઠેર જાહેર રોડ ધોવાઈ ગયા છે. શહેરમાં એક પણ રોડમાં ખાડા ન હોય તેવો બચ્યો નથી. પાલિકા તંત્રને જગાડવા જન અધિકાર મંચના કાર્યકરો દ્વારા શહેરના મિલન ચાર રસ્તા પાસે ખાડામાં નાળિયેર વધેરી ખાડા પૂજન કરી અનોખો વિરોધ કર્યો હતો. ખંભાળિયામાં પાલિકા તંત્ર ખાડા પુરવા નામ લેતું નથી. જો કે, ત્રણ દિવસ પૂર્વે પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી હતી.
માત્ર મોટા મોટા ખાડામાં જ મોરમ નાખી સંતોષ માની લીધો હતો. શહેરના તમામ રોડને પુન: રીપેરિંગ કરવાની માંગ સાથે જન અધિકાર મંચ પ્રમુખ નિલેશભાઇ બરાઇ તેમજ જીજ્ઞેશભાઈ કંડોરીયા, ધવલભાઇ નંદાણીયા, વિજયભાઇ ડેર, ભરતભાઇ કંટારીયા સહિતના યુવા કાર્યકરો દ્વારા મિલન ચાર રસ્તા પાસે રોડ પર પડેલા ખાડામાં નાળિયેર વધારી ખાડાને પ્રાર્થના કરી હતી કે, પાલિકા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને રોડનું નવીનીકરણ કરવામાં આવે.
– રોહિત મેરાણી (જામનગર)