ખંભાળિયામાં મુશળધાર 4 અને દ્વારકામાં સવા બે ઇંચ વરસાદ, ભાણવડ-કલ્યાણપુરમાં 1 ઇંચ

- જામજોધપુરમાં અડધો ઇંચ, અન્યત્ર પણ ઝાપટા વરસ્યા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ફરી મેઘરાજા મંડાણ કરતા ખંભાળીયામાં મુશળધાર ચારેક ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે દ્વારકામાં સવા બે જોડીયામાં બે,ભાણવડ તેમજ કલ્યાણપુર પંથકમાં એકથી સવા ઇંચ પાણી વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં શનિવારે વીજળીના કડાકા ભડાકા સાથે ફરી મેઘ મંડાણ થયા હતાં. જામનગર શહેરમાં શનિવારે ફરી મેઘરાજાએ હાઉકલી કરતા હળવા ઝાપટાઓએ માર્ગે ભીના કર્યા હતા. જ્યારે જોડીયામાં ગત સપ્તાહ દરમિયાન ભારે વરસાદ બાદ સવારે દસ વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લગભગ ત્રણેક કલાકમાં જ બે ઇંચ પાણી વરસી જતા માર્ગ ફરી પાણી પાણી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જોડીયામાં ગત સપ્તાહ દરમિયાન એક સાથે પંદર ઇંચથી વધુ પાણી વરસ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં શનિવારે વીજળીના કડાકા ભડાકા સાથે ફરી મેઘ મંડાણ થયા હતા જેમાં બપોર સુધીમાં જ વધુ ચારેક ઇંચ પાણી વરસી ગયું હતું જેના પગલે નીચાણવાળા વિસ્તારો ફરી પાણી પાણી થયા હતા. યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસેલા વરસાદે વધુ સવા બે ઇંચથી વધુ પાણી ઠાલવી દીધું હતું. ભાણવડ પંથકમાં શનિવાર સાંજ સુધીમાં વધુ સવા ઇંચ જેટલુ અને કલ્યાણપુર પંથકમાં પણ એકાદ ઇંચ પાણી વરસી જતા વાડી-ખેતર ફરી પાણીની લબાલબ થયા હતા. જામનગર જિલ્લાના લાલપુર માં હળવા ઝાપટા વરસ્યા હતા.
હરિયાણામાં એક ઇંચ વરસાદ
જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં લગભગ પોણો ડઝન ગામમાં શુક્રવારથી શનિવારે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં હરિયાણામાં સૌથી વધુ ૩૦ મીમી, વસઇમાં દસ મીમી, બાલંભામાં દસ મીમી, નિકાવામાં ૧૦ મીમી તેમજ અન્યત્ર હળવા ભારે ઝાપટા પડયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતુ.
– રોહિત મેરાણી (જામનગર)