કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના 15 કોર્પોરેટર હાજર
સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણ બાદ વાંધા સુચન માટેની કોંગ્રેસની બેઠકમાં 50 ટકા કરતાં વધુ કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ ગેરહાજર રહેતાં ફરી એક વાર કોંગ્રેસમાં કલહની ચર્ચા જોરશોરમાં શરૃ થઈ છે. સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણ બાદ વોર્ડ સિમાંકન કરી દેવામાં આવ્યું છે, તેમાં કોંગ્રેસના વોર્ડમાં મતદારોનો ઉમેરો કરવા સાથે ભાજપના પ્રભુત્વવાળા વિસ્તારમાં વોર્ડનો જ વધારો કરી દેવામાં આવ્યો છે. વોર્ડ સિમાંકન બાદ કોંગ્રેસનું પ્રભુત્વ ઘટશે તેવી અટકળ વધુ તેજ બની ગઈ છે. નવા સિમાંકન માટે વાંધા સુચન મંગાવવા માટે કોંગ્રેસે રવિવારે એક બેઠક રાખી હતી. સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના 37 કોર્પોરેટરો છે, જેમાંથી મહત્વની બેઠકમાં માત્ર 15 જ હાજર રહ્યા હતા. જ્યારે વોર્ડ પ્રમુખ માત્ર 13 હાજર રહ્યા હતા.
વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટરોની પાંખી હાજરીના કારણે ફરી એક વાર સુરત કોંગ્રેસનું નેતૃત્વ વિવાદમાં આવ્યું છે. કોંગ્રેસના નેતૃત્વમાં હજી પણ કચાસ હોવાથી વોર્ડ સિમાંકનમાં વાંધા સુચન રજુ કરવાની બેઠકમાં કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ ગેરહાજર રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા થઈ રહી છે કે, વોર્ડ સિમાંકનના કારણે કોંગ્રેસને આગામી ચૂંટણીમાં મોટો ફટકો પડશે તે નક્કી થઈ ગયું હોવાથી કોંગ્રેસ પહેલાથી જ બેકફુટ પર આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા જો વાંધા સુચન માટે આક્રમકતા નહીં અપનાવવામાં આવે તો આગામી ચૂંટણીમાં કોગ્રેસ માટે વધુ મુશ્કેલી ઉભી થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.