જામનગરમાં વધુ 90 સંક્રમિત, 18 મોત : ત્રીજા દિવસે પોઝિટિવ કેસ ડબલ ડિઝિટમાં

- શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હાલની સ્થિતિએ ૩૩૨ એક્ટિવ કેસ
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજુ પણ બેકાબૂ રહેતા ગુરુવારે વધુ ૯૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં શહેરમાં ૬૭ અને ગ્રામ્યમાં ૨૩ લોકો સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ જામનગર પંથકમાં બુધવાર રાત્રીથી ગુરૂવાર મોડી સાંજ સુધીમાં વધુ ૧૮ લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારી અટકવાનું નામ લેતો ન હોય તેમ સંક્રમણ ડેરા તંબુ તાણ્યા છે. જેમાં જામનગર શહેરી વિસ્તારમાં ૬૭ પોઝીટીવ કેસ સામે આવ્યા હતા જયારે ગ્રામ્ય પંથકમાં પણ ૨૩ દર્દીઓ સંક્રમિત હોવાનું જાહેર થયું છે. તમામ દર્દીઓને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં છેલ્લા ત્રણેક દિવસથી આંશિક ઘટાડો જોવા મળતા પોઝિટિવ કેસનો આંક ડબલ ડીઝીટમાં રહ્યો છે. જોકે, જામનગર પંથકમાં બુધવારે રાત્રીના ગુરુવારે મોડી સાંજ સુધીમાં અઢાર દર્દીના મોત નિપજ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. શહેર-જિલ્લામાં ગુરૂવારની સ્થિતિએ ૩૩૨ એક્ટિવ કેસ હોવાનું ખુલ્યું છે જેમાં શહેરમાં ૨૪૦ અને ગ્રામ્યમાં ૯૨ કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૧.૫૯ લાખથી વધુ સેમ્પલ લેવાયા છે.
માહિતી ખાતાના પુર્વ કર્મચારીઓનો ભોગ લીધો જામનગર માહિતી ખાતાના પુર્વ કર્મચારીઓ કિશોરભાઈ રામજીભાઈ સોલંકીની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતુ. જેથી માહિતી ખાતાના કર્મચારીગણ અને પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.તેનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા.
– રોહિત મેરાણી (જામનગર)