હાથરસ રેપ કાંડનો ગુજરાતમાં પડઘો, મંગળવારે સમગ્ર રાજ્યમાં સફાઇકર્મીઓની હડતાળ

ઉત્તર પ્રદેશ રાજયના હાથરસ ગામમાં રહેતી દલિત સમાજની વાલ્મિકી દિકરી પર સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યા બાદ કરાયેલી હત્યાના પગલે દેશભરમાં કામદારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ પરિવારને મળવા ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બીજા દિવસે તેમને મળવા દેવાયા હતા. આમ ચોતરફ આ કેસને લઇને પરિસ્થિતિ કથળતી જાય છે. ત્યારે ગુજરાતના સફાઇ કામદારોએ આવતીકાલે તા. 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ મંગળવારે કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે. તેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 20 હજારથી વધુ કામદારો સહિત રાજકોટ, સુરત, વડોદરા વગેરે મહાનગરપાલિકાના કામદારો પણ જોડાશે. તેના માટે અમારે અન્ય શહેરના કામદાર આગેવાનો સાથે ટેલીફોનિક વાતચીત થઇ ગઇ છે.
અમદાવાદ મ્યુનિ, સર્વન્ટ એસોસીએશનના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ જણાવ્યું છે કે, “હાથરસ ગામમાં રહેતી દલિત સમાજની દિકરી સાથે સામૂહિક રીતે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી છે. જેના વિરોધમાં 6ઠ્ઠી તારીખે સમગ્ર અમદાવાદ શહેરની એક દિવસ માટે સ્વ. મનીષાબેનના પરિવારને ન્યાય અપાવવા માટે સફાઇ કામગીરી સંપૂર્ણ રીતે બંધ રહેશે. જેમાં રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, વગેરે મહાનગપાલિકાના કર્મચારીઓ પણ જોડાવાના છે. આવતીકાલે સવારે 10 વ્યક્તિનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર સુપ્રત કરશે.”
તેમણે વધુમાં આ ઘટનાનો સમગ્ર દલિત સમાજ સખ્તમા સખ્ત વિરોધ કરીએ છીએ. અને સમગ્ર ભારત દેશમાં દલિત સમાજ પર અત્યાચારો કરવામાં આવે છે. તેમ જ અમાનવીય વ્યવહાર, અસ્પુશ્યતા અને માનવતાની દ્રષ્ટિએ વેગળા રાખવામાં આવે છે. શું અમે માનવી નથી?, શું અમે હિન્દુ નથી?, અમને જીવવાનો અધિકાર નથી?, શું અમને શિક્ષણનો અધિકાર નથી?, અમને અમારા હક્કો માટે કોઇ અધિકાર નથી?, શું દલિત સમાજનો માત્ર વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કરવાનો છે? વગેરે સવાલો તેમણે ઉઠાવ્યા છે.
તેમણે નિવેદનમાં વધુમાં એમ પણ જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં દલિતોનું યોગદાન નથી. શું દેશમાં ભૂતકાળમાં દલિતોએ તેમના પ્રાણની આહુતિ આપી નથી, શું આ દેશમાં સરમુખ્ત્યારશાહી છે. ઉત્તર પ્રદેશની ઘટનાને વહેલામાં વહેલી તકે સ્વ. મનીષાબેનના પરિવારને ન્યાય મળે તેવી અને દલિત સમાજ પર થતાં જુલ્મી અત્યાચાર ન બને અને ઉત્તર પ્રદેશ જેવી ઘટના ન બને તેવી નોકર મંડળની ઉગ્ર રજૂઆત છે. જો કે આ અંગે તેમણે કોર્પોરેશનને જાણ ન કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું.