કડીની રિધમ હોસ્પિટલમા પ્રદૂષણ વિભાગે તપાસ આરંભી : ગાંધીનગર અહેવાલ સુપરત કર્યો

કડીની રિધમ હોસ્પિટલના સંચાલકો ધાબા પર પીપીઈ કીટ સહિત બાયો મેડીકલ વેસ્ટ સળગાવી વિસ્તારને પ્રદૂષિત કરતા હોવાના સમાચાર માધ્યમોના અહેવાલને પગલે કુંભ કર્ણની નિદ્રામા પોઢેલ મહેસાણા પ્રદૂષણ વિભાગના અધિકારીઓએ તપાસ આદરી અહેવાલ ગાંધીનગર મુખ્ય કચેરીમા મોકલી આપેલ છે. નાનીકડી સ્થિત હરિઓમ આર્કેડમા આવેલી રિધમ હોસ્પિટલમાં કોવીડ 19 ના દર્દીઓની સારવાર ચાલી રહી છે.કોવીડ 19 ના દર્દીઓની સારવાર સમયે વપરાતી પીપીઈ કીટનો બાયો મેડીકલ વેસ્ટના સરકારી નિયમોનુસાર ફરજીયાત દરેકે નીકાલ કરવાનો હોય છે.જો કે રિધમ હોસ્પિટલના સંચાલકો હોસ્પિટલમાં બાયો મેડીકલ વેસ્ટનો સંગ્રહ કરે છે.શોપીંગ કોમ્પલેક્ષમા અવર જવર બંધ થાય ત્યારે હોસ્પિટલના ધાબા પર પીપીઈ કીટ સહિત બાયો મેડીકલ વેસ્ટને આગ લગાડી વિસ્તારને પ્રદૂષિત કરવાનુ હિન કૃત્ય તબીબ સહિત સંચાલકો કરી રહ્યા હોવાની ફરીયાદ કલેક્ટર અને સ્થાનીક પાલિકામાં કરાઈ હતી.
જે અંગેના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રસારિત કરતા કુંભ કર્ણની જેમ નિદ્રામા પોઢેલ મહેસાણા પ્રદુષણ વિભાગના અધિકારી પ્રિયદર્શિ રવિવારે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.બાયો મેડીકલ વેસ્ટ સળગાવતા અંગેનો વિસ્તૃત અહેવાલ તેમણે ગાંધીનગર પ્રદૂષણ વિભાગના વિજય રાકોલીયાને મોકલી આપેલ હોવાનુ પ્રિયદર્શિએ જણાવ્યુ હતુ.વધુમા તેમણે મહેસાણા કલેક્ટરને પણ આ અંગે જાણકારી આપી હોવાનુ જણાવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા પીપીઈ કીટ સહિત બાયો મેડીકલ વેસ્ટને સળગાવવાની ગંભીર બાબતને લઈ હજુ સુધી તંત્ર ઢાંક પીછોડો કરી એક યા બીજી કચેરીને ખો આપી રહી હોવાનુ ફલિત થઈ રહ્યુ છે. જ્યારે કોરોનાની વૈશ્ર્વિક મહામારીના સંકંટમા લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા હોસ્પિટલના તબીબ અને સંચાલકો હલકી હવામા ધૂળની ડમરીઓ સાથે ઉડી રહ્યા છે.