સુરત : માર્કેટમાં અન્યના ભીંડા રૂા.50 ના મણના ત્યારે આ ભીંડા કિલોના રૂા.50ના વેચાયા

સુરત : માર્કેટમાં અન્યના ભીંડા રૂા.50 ના મણના ત્યારે આ ભીંડા કિલોના રૂા.50ના વેચાયા
Spread the love

ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌઆધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ૬૫ જેટલા ખેડુતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતી કરવાનો પ્રારંભ કર્યો છે. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સરાહનીય પ્રયાસોના પરિણામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

જેના સારા પરિણામો મળી રહ્યાં છે.ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી આમજનતાની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઇમેન્ટ ચેઇન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઇલાજ છે.આજના આધુનિક યુગની ખેતીમાં ખાતર અને પાણીનો બેફામ ઉપયોગ કરવાના કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. ઝેરયુકત પેસ્ટીસાઈડઝના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા ઘાતક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તેવા સમયે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે.

રાસાયણિક ખાતરો અને દવા મોંઘી અને સરવાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો અને જીવામૃત્ત ઘરે બનાવવા બહુ જ સરળ છે.મહુવા તાલુકાના વડીયા ગામના બરડી ફળીયાના આદિવાસી ખેડુત પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલે એક વર્ષ પહેલા વડતાલ ખાતે સુભાષ પાલેકરની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સાત દિવસની રાજયકક્ષાની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. પ્રકાશભાઈ જણાવે છે કે, ‘તાલીમ બાદ મનમાં એક સંકલ્પ કર્યો કે, હવે પ્રાકૃતિક ખેતી કરવી જ છે. ઘરે આવીને શરૂઆતમાં જીવામૃત બનાવવા માટે ગામની નજીકમાં આવેલી ગૌશાળામાંથી દેશી ગાયના છાણીયા ખાતર, ગૌમુત્ર લાવીને જીવામૃત બનાવ્યું અને શેરડીના પાકમાં તેનો ઉપયોગ શરૂ કર્યો.

સારો ફાયદો જણાતા બે ગીર નસ્લની વાછરડીઓ ખરીદી કરીને ઘરે જ જીવામૃત, દશપર્ણીઅંક જેવી દવાઓ જાતે જ બનાવીને પાકમાં છંટકાવ કરૂ છું.પ્રાકૃતિક ખેતીએ ટૂંકા ગાળામાં સારો એવો નફો આપ્યો હોવાનું જણાવતાં તેઓ ઉમેરે છે કે, મારી પાસે ચારેક વિઘા જમીન હોવાથી ભીંડો, રીંગણ જેવા શાકભાજી પાકો તથા ડાંગર, શેરડી જેવા રોકડીયા પાકો લઉ છુ. જાન્યુઆરી મહિનામાં ભીંડાનું વાવેતર કર્યું હતું. કોઈ પણ પ્રકારના પેસ્ટીસાઈડઝનો ઉપયોગ કર્યા વિના માત્ર પ્રાકૃતિક દવાઓ દ્વારા ભીંડા પકવ્યા. ત્યારે ભીંડા રૂા.૫૦ના કિલોનો ભાવ ઉપજતો હતો. અન્ય ભીંડા માર્કેટમાં રૂા.૫૦ મણના ભાવે વેચાતા. મારા ખેતરમાં ઉગાડેલા ભીંડા અઠવાડિયાં સુધી બગડતા નથી. એક વાર ચાખ્યા બાદ એના મીઠા સ્વાદનું વળગણ થઈ જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આત્મા પ્રોજેકટ’ના સહયોગથી મહુવા તાલુકા પંચાયત ભવન ખાતે સ્ટોલ શરૂ કરીને ભીંડાનું વેચાણ શરૂ કર્યું હતું. જેમાં સારો એવો ભાવ મળ્યો હતો. ખેતીમાં રાસાયણિક ખેતી દ્વારા ૫૦ થી ૬૦ ટકા ખર્ચ થતો હતો તે ખર્ચ આજે પ્રાકૃતિક ખેતી અપનાવતા ઘટીને ૧૦ થી ૨૦ ટકા જેટલો થયો છે, અને હવે શૂન્ય ટકા ખેતી ખર્ચ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. તાજેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ગાય માટે મહિને રૂા.૯૦૦નો નિભાવ ખર્ચ આપવાની યોજના અમલી બનાવી છે, જે બદલ પ્રકાશભાઈએ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

વડીયા ગામના ખેડુત સંજયભાઈ ગામીત જણાવે છે કે, મારા પરમમિત્ર પ્રકાશભાઈની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એક ગીર ગાય લાવી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે. જેનો ઘણો જ ફાયદો થયો છે. મારી ખેતીમાં મંડપવાળા પરવળનું વાવેતર કર્યું છે, જેમાં અગાઉની સરખામણીમાં નિંદામણનું પ્રમાણ ખૂબ ઓછુ રહે છે. જીવામૃત બનાવીને નિયમિત ડાંગર તથા અન્ય પાકોમાં છંટકાવ કરૂ છું. આ ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડાની સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. અળસિયાની સાથે મિત્ર કિટકો, મધમાખી ખેતરમાં આવતા થયા છે. આજે અમો ખોછા ખર્ચે વધુ ઉત્પાદન લેતા થયા છીએ.વધુમાં તેઓ કહે છે કે, અમને ગર્વ છે કે, અમે ઉત્પાદિત કરતા શાકભાજી, અનાજ શુધ્ધ અને સાત્વિક છે. જેનાથી અમારા સંતાનોની સાથે અન્યને લોકોને સારો ખોરાક ખવરાવી રહ્યા છીએ.

આમ નાની શરૂઆત આગામી સમયમાં નવી પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવી ક્રાંતિના મંડાણ કરે તો નવાઈ નહી.આત્મા પ્રોજેકટના મહુવા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી દેવેન્દ્ર શર્મા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણના જતન અને સંવર્ધનની સાથે ઝીરો બજેટની ખેતીનું આકર્ષણ વધ્યું છે. મહુવા તાલુકામાં બે કો-ઓર્ડિનેટર બનાવીને છેલ્લા એક વર્ષમાં તાલુકાના એક હજાર ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જે પૈકી અંદાજે ૬૫ ખેડુતો આ ખેતી તરફ વળ્યા છે. તેમજ ૪૭૫ ખેડુતોએ ખેતી કરવાની તૈયારી દર્શાવી છે. લોકો દેશી ગાય લાવીને એક થી બે એકરમાં ખેતી અપનાવી રહ્યા છે. જે જમીનો પહેલા એટલી કઠણ હતી કે જેમાં હળ ચલાવતી વખતે મુશ્કેલીઓ પડતી હતી, પણ આ ખેતી અપનાવ્યા બાદ જમીન મુલાયમ અને ફળદ્રુપ બની છે.

તેઓ જણાવે કે, ખેડુતો આ ખેતીની શરૂઆત કરે તો પ્રયોગાત્મક રીતે થોડી જમીનમાં કરે, કારણ કે જીવામૃત જાતે તૈયાર કરવાના હોય છે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનું એક ગૃપ બનાવી તેના ઉત્પાદનો શહેરો સુધી પહોચે તેવુ આયોજન કરવામાં આવશે. કોઇ પણ ખેડુતોને તાલીમ મેળવવી હોય તો અમે ઘરઆંગણે તેમના ગામ સુધી આવીને તાલીમ આપીએ છીએ.રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ આરંભી છે, ત્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી આ ખેત પદ્ધતિ કિસાનો માટે ટકાઉ ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1602663058252.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!