દિશા શિષ્યાઓનું બ્રેઇન વોશ કરી પ્રશાંતના બેડરૂમમાં મોકલતી

વડોદરા બગલામુખી આશ્રમમાં પરિણીત શિષ્યાને બોલાવી બળાત્કાર ગુજારવાના તેમજ ભક્તોને સોનાના યંત્રોના નામે છેતરપિંડી કરવાના કેસમાં પકડાયેલા પ્રશાંત ગુરૃની ફરાર થયેલી બે શિષ્યાને પકડવા માટે પોલીસ દોડતી થઇ છે. પ્રશાંત ઉપાધ્યાય સામે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા તેમાં ત્રણ શિષ્યાઓએ દસમા ધોરણની પીડિતાને પ્રશાંત સુધી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાની વિગતો બહાર આવતાં ત્રણેય શિષ્યા સામે પણ મદદગારી બદલ ગુનો નોંધાયો છે.
આ પૈકી પોલીસે પ્રશાંતના રૃમોની ચાવી રાખતી તેમજ પ્રશાંત પાસે શિષ્યાઓને મોકલવાનું કામ કરતી અંગત શિષ્યા દિશા ભગતસિંહ સચદેવ ઉર્ફે જોન (રહે.કાન્હા ગોલ્ડ કોમ્પ્લેક્સ, ડભોઇરોડ) ની ધરપકડ કરી હતી. જ્યારે દિશા જોનના કોમ્પ્લેક્સમાં બીજા એક ફ્લેટમાં રહેતી દિક્ષા જસવાની ઉર્ફે સીમા ઉર્ફ દીદીમા દુબઇ ફરાર થઇ ગઇ હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.ગોત્રીના પીઆઇ એસ. વી. ચૌધરીએ કહ્યું હતું કે, જો દિક્ષા જસવાની દુબઇ હશે તો ત્યાંથી લાવવા માટે પોલીસ કાર્યવાહી કરશે.અમે એરપોર્ટ ઓથોરિટી પાસે દિક્ષા બાબતે વિગતો માંગી છે.