હઝરત મખદુમ શાહ બાબાનો ઉર્સ

ફાનુસ બન કર જીસ કી હિફાઝત અલ્લાહ કરે, જ્યાં મહાસાગરનાં મોજાં રોજ સવાર સાંજ જેમના પગ પખાળે છે તે ઇલમોનો ભંડાર બાબા મખદુમશાહ અલીશાહ સરકાર માહિમના કિલ્લાના ખડક પર લગભગ આઠસો-નવસો વર્ષ પૂર્વેથી બિરાજમાન છે અને પોતાના મોજીઝાભર્યા કરિશ્માયુક્ત જીવન અને કાર્યથી આ જગત પર રોશની પાથરી રહ્યા છે. આપ હઝરતના મુબારક જીવન વિશે આ લખનારે ઇસ્લામી ઇતિહાસકારોથી વાત કરી તો જાણવા મળ્યું કે અલ્લાહના આ મહાન વલી વાસ્તવમાં એક દોલતમંદ વેપારીના ફરમાબદાર ફરજંદ હતા.
મહોર્રમ હિજરી ૭૭૬, ઇસવીસન ૧૩૭૨માં આપનો મુબારક જન્મ થયો. આપના વાલિદ મૌલાના શેખ અહમદ પ્રખ્યાત આલિમ્ અને વલીએ કામિલ હતા. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આપની ખ્યાતિ શ્રીમંત વેપારી તરીકે હતી. આપની માતા નેક, પાક અને અલ્લાહના ન્યાય પર ભરોસો રાખનારા બાનુ હતા. આપના બે નામ છે: અલ્લાઉદ્દીન અને અલી. ઈરાકમાં બસરા શહેરની પાસે નાયાત નામે સ્થળ છે. હઝરત મખદુમશાહ અને આપના કુટુંબીઓ ત્યાંના વતની હોવા જોઈએ તેથી જ તેઓ નાયાત કે નવાયાત તરીકે મશહુર થયા હશે. અરબના મશહુર કબીલા કુરેશની એક શાખા મદીના શરીફથી નીકળીને બસરામાં સ્થાયી થઇ હતી.
તેજ નાયાત. ત્યાં હનીજ બિન યુસુફનાં જુલમો સીતમ વધતાં આ કબીલો ઇસવીસન ૬૯૯માં હિન્દુસ્તાન તરફ આવ્યો. તેમાં મખદુમશાહની તાલીમ મૌલાના શાહ અહમદ કુકુશે સાંભળી હતી. ઉપરાંત વિવિધ ઉસ્તાદો પણ આપના વાલિદની સૂચના મુજબ તાલીમ આપતા રહ્યાં. આપની ગ્રહણશક્તિ એટલી જબરદસ્ત હતી કે આપ ઝડપભેર બધું શીખી ગયા. દરમિયાન આપના વાલિદ સાહેબનો ઇંતેકાલ થતાં આપ હઝરતની તાલીમ અધૂરી રહી ગઈ. એથી મખદુમશાહ બેચેન રહેવા લાગ્યાં. પુત્રની બેચેની જોઈને માનો જીવ બળવા લાગ્યો. માતા હઝરત ફાતિમા બેગમે અલ્લાહને વિનંતી કરી કે મારા દીકરાની અધૂરી રહેલી તાલીમ પૂરી કરવા આપ કંઈક કરો.
બીજે દિવસે સવારે ફઝરની નમાઝ બાદ મખદુમશાહ દરિયા કિનારે ફરવા ગયા ત્યારે એક ઊંચા ખડક પર એક નૂરાની બુઝુર્ગને આ નૂરાની બુઝુર્ગ એટલે હઝરત ખિજ્ર. તેમણે એવી શરતે મખદુમશાહને તાલીમ આપવાનું ઠરાવ્યું કે મખદૂમશાહે કોઈને આ તાલીમની વાત ન કરવી. પણ તેમની માતાએ પુત્રને એકવાર પૂછી લીધું. મખદુમશાહ પોતાની માતા સમક્ષ જૂઠું બોલી શક્યા નહીં. આપે કહી દીધું કે હું ખિજ્રસાહેબ પાસે તાલીમ લઉં છું. શરતનો ભંગ થતા બીજે દિવસે ખિજ્ર સાહેબ આવ્યા નહીં. મખદુમશાહ ગમગીન થઈને ઘેર પાછા ફર્યા. માતાને વાત કરી. એ રાત્રે વાલિદા સાહેબાએ ફરી ખુદાને અરજ કરી. બીજે દિવસે ખિજ્ર સાહેબ પાછા આવ્યા અને ફરી તાલીમ શરૂ કરી. આ તાલીમ પૂરી થતાં હઝરત મખદુમશાહ ખરા ઇલમી બની રહ્યાં.
કોઈપણ દીનદુ:ખી કે હાજતમંદની તકલીફ બાબા મખદુમશાહ જોઈ નહોતા શકતા. આપ પોતાના ઇલમથી હાજતમંદને હસતા કરી દેતા. જેમને ત્યાં ઔલાદ ન હોય તેમને બાબાની દુઆથી ઔલાદ મળતી કોઈ બીમાર કે અપંગ આવે તેને આપ સારા કરી દેતા. કોઈને વેપાર ધંધામાં બરકત ન હોય તો આપની દુઆથી બધું વ્યવસ્થિત થઈ જતું. આપ હઝરતની આ કરામતોને કારણે આપના દરબારમાં બધી કોમના લોકો આવતા…
આપની આ ઇન્સાનિયત – માનવતા અને સમાજસેવા જોઈને ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલાએ આપને થાણા-મુંબઈના વડા કાજી પદે નિમ્યા હતા. આ હોદ્દા પર રહીને સમાજની એટલી બધી ભલાઈ કરી કે લોકો આપને જિંદા પીર તરીકે પૂજતા થઈ ગયા. આજે આટલા બધા સૈકા પછી પણ આપની મુંબઈ માહિમ ખાતે આવેલ મઝાર મુબારક હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ, ઇસાઈ બધા લોકો સલામી પેશ કરવા આવે છે.
એક લોકવાયકા મુજબ બસો-ત્રણસો વર્ષ પહેલાં અહીંથી પસાર થતા વહાણોના માલમ્ – ખલાસી્ – નાખુદા આપને સલામી કરવા આવતા કારણ કે આપ રોજ સાંજે ખડક પર એવું કંદિલ લગાડતા જે તોફાની સમંદરમાં વહાણો માટે દીવાદાંડીની ગરજ સારતું. ૬૯ વર્ષની વયે ઇસ્લામી કેલેન્ડર મુજબ આઠમી જમાદિલ આખિર જુમ્માની રાત્રે હિજરી ૮૩૫ મુતાબિક, ઇસ્વીસન ૧૪૩૧ના ફેબ્રુઆરીમાં આપે આ ફાની દુનિયા છોડી દીધી. માહિમના ખડક પર આપની માતાની બાજુમાં આપનો દફનવિધિ કરવામાં આવ્યો. જો કે આપની નુરાની શક્તિના અનુભવો આજના આ અતિ આધુનિક યુગમાં આજે પણ થાય છે. ફિલ્મસર્જક મેહબૂબ ખાન જેવા અનેક નેતા, અભિનેતા પણ આપના અનન્ય ભક્ત રહ્યાં છે અને તેમાં વધારો થતો જઈ રહ્યો છે.
દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા આપના ઉર્સ મુબારક પ્રસંગે મહેબૂબ સ્ટુડિયો તરફથી મુખ્ય માર્ગ પર શાનદાર પ્રવેશદ્વાર ઊભું કરવામાં આવે છે, જ્યારે માહિમ પોલીસ સ્ટેશન તરફથી દર જુમેરાતના વહેલી પરોઢે ફૂલની ચાદર ચડાવવામાં આવતા હોવાનો સિલસિલો આજે પણ જારી છે. આમ તો રોજેરોજ શ્રદ્ધાળુઓ આવતા રહેતા હોય છે પણ ખાસ કરીને દર ગુરુવારે માનવમેદની એટલી ઊમટે છે કે ઉર્સ જેવું વાતાવરણ ઊભું થાય છે.
વ્હાલા જિજ્ઞાસુ વાચકો! પ્રસ્તુત લેખમાં આવતા ઉર્દૂ શબ્દો કે જે અરબી – ફારસી શબ્દોવાળી હિન્દી ભાષા,ફારસી લિપિમાં લખાય છે તેના અર્થો સરળ ગુજરાતીમાં આ પ્રમાણે છે: ‘મખદૂમ’: સ્વામી, માલિક, સેવ્ય. ‘વલીએ કામિલ’: માલિક, વાલી, સંરક્ષક, પીર. ‘વાલીદ’: પિતા. ‘વાલીદાન’: માતા. ‘મૌલાના’: ઉચ્ચકક્ષાના જ્ઞાનિ, વિદ્વાન. ‘અલ્લાહ’: ઈશ્ર્વર. ‘મંદીના’: અરબસ્તાનનું એક જાણીતું ધાર્મિક શહેર જ્યાં મહંમદ સાહેબની કબર-મઝાર મુબારક છે એવી માન્યતા છે. ‘કબીલા’: સમૂહ. ‘કુરેશ’: એક અરબી કબીલો. હઝરત મહંમદ સાહેબ એજ કબીલા સમૂહના હતા. ‘ઉસ્તાદ’: ગુરુ, શિક્ષક. ‘ઇંતકાલ’: અવસાન. ‘ફઝર’: વહેલી પરોઢ. ‘નુરાની’: આભા પ્રકાશ. ‘બુઝુર્ગ’ જ્ઞાનિ, વિદ્વાન. ‘તાલીમ’: વિદ્યા, જ્ઞાન. ‘હાજતમંદ’: ઇચ્છા રાખનાર. ‘કરામત’: ચમત્કાર. ‘કાજી’: ન્યાય કરનાર અધિકારી. ‘કંદિલ’: ફાનસ. ‘જિંદાપીર’: જીવંત, સિદ્ધ મહાત્મા, પ્રેમપાત્ર પીર. ‘સલામી’: અભિવાદન, નમસ્કાર, પ્રણામ, વંદન. ‘ઉર્સ’: મરણતિથિ પર આયોજિત ઉત્સવ. ‘નાખુદા’: નાવિક.