સંસદ પરના હુમલા વખતના શહીદોને નહિ ભુલાય : મોદી
નવી દિલ્હી : સંસદભવન પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાને દેશ ક્યારેય નહીં ભૂલે એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં શહીદ થનાર સુરક્ષા અધિકારીઓને રવિવારે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. વર્ષ ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે સંસદ પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાને અમે ક્યારેય નહિ ભૂલીએ એમ જણાવી તેમણે શહીદોની બહાદુરી અને કુરબાનીને બિરદાવી હતી. દેશ હંમેશાં આ શહીદોનો ઋણી અને આભારી રહેશે, એમ તેમણે કહ્યું હતું. પાક પ્રેરિત આતંકવાદી સંગઠન દ્વારા ભારતના સંસદભવન પર કરવામાં આવેલા હુમલામાં આઠ સુરક્ષા અધિકારી સહિત નવ જણનાં મોત થયાં હતાં.
જોકે, હુમલાખોર તમામ પાંચ આતંકવાદીને સુરક્ષા દળના જવાનોએ ઠાર માર્યા હતા. આ ઘટનાને પગલે બંને દેશ વચ્ચે ઉચ્ચ સ્તરે તણાવ સર્જાયો હતો અને સંસદની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. દરમિયાન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સંસદભવન પરના હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે સમગ્ર દેશ આ શહીદોને આભારવશ યાદ રાખશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ સંસદભવન પરના હુમલામાં જીવ ગુમાવનાર સુરક્ષા અધિકારીઓની બહાદુરી અને કુરબાનીને બિરદાવી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી