કડીના કરણનગર રોડ ઉપર મંદિરનો રસ્તો પૂછવાના બહાને આધેડને લૂંટી લેવાયો
*કડીમાં મંદિર નો રસ્તો પૂછવાના બહાને આધેડ ને લૂંટી લેવાયો*
કડીના કરણનગર રોડ ઉપર આધેડ સવારનું નિત્યક્રમ પતાવી ઓફીસ જઈ રહ્યા હતા ત્યારે ગાડીમાં સાધુના વેશમાં બેથેલ વ્યક્તિએ નજીક બોલાવી શિવમંદિર જવાનો રસ્તો પૂછી બેશુદ્ધ હાલતમાં મૂકી આધેડે પહેરેલ સોનાના દાગીના લૂંટી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડીના સિટીપાર્ક સોસાયટીમાં રહેતા આધેડ લીનેશકુમાર ત્રિભોવનભાઈ શાહ ઉં. આશરે 60 વર્ષ સવારમાં પોતાનું નિત્યક્રમ પતાવી કરણનગર રોડ ઉપર આવેલ રાજવી કોમ્પ્લેક્સ આવેલ પોતાની ઓફીસ એક્ટિવા લઈ જઈ રહ્યા હતા ત્યારે સવારમાં સાડા દસ થી અગિયાર વાગ્યા ના અરસામાં કરણનગર રોડ ઉપર સિધ્ધરાજ સોસાયટી પાસે એક નગ્ન સાધુ સહિત ચાર ઈસમો બેસેલ ગાડીના ચાલકે તેમને શિવ મંદિર ક્યાં આવ્યું તેવા બહાના હેઠળ નજીક બોલાવી ગાડીમાં બેસેલ નગ્ન સાધુએ ફૂલ આપ્યું હતું. નગ્ન સાધુએ આધેડ ને ફૂલ આપ્યા બાદ તેઓ બેશુદ્ધ થયી ગયા હતા જેથી તેમણે શરીર ઉપર પહેરેલ સોનાનો દોરો,બે વીંટી તથા ઘડિયાળ સહિતનો સામાન ગાડીમાં બેસેલ ઈસમોએ લૂંટી લીધો હતો.થોડી વાર બાદ આધેડ ને લૂંટી જવાયા નો અહેસાસ થતા તેમણે પોતાના એક્ટિવા ઉપર ગાડીનો પીછો કરતા કન્ટ્રોલ ગુમાવતા તેઓ નીચે પડી ગયા હતા જેથી તેમને સારવાર અર્થે કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કડી પોલીસે ભોગ બનનાર આધેડ પાસેથી માહિતી મેળવી લૂંટમાં સામેલ ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.
*આધેડ ને લૂંટી લેવાયો છતાં પોલીસ દ્વારા જવાબ આપવામાં નિરસ્તા*
થોડા સમયથી કડીમાં દિનપ્રતિદિન ગુન્હાઓમાં વધારો થયી રહ્યો છે જેમાં શનિવારના રોજ સાધુ વેશ ધારણ કરી આધેડ ને લૂંટી લેવાયો હતો .મળતી માહિતી મુજબ કડી પોલીસે જાણવાજોગ દાખલ કરી સંતોષ માણી રહી છે અને આધેડ ની લૂંટ બાબતમાં તપાસ કરતા પી.એસ.આઈ.જે.એસ.રબારી ઉપરી અધિકારીના ઓર્ડર બાદ માહિતી આપશું તેવો ઉપરછલ્લો જવાબ આપી ગુન્હો નોંધવામાં પાછી પાની કરી રહ્યા હોવાનું જણાયી રહ્યું છે.