કચ્છના નલિયામાં રેકર્ડબ્રેક ઠંડીનો અહેસાસ

અમદાવાદ કચ્છમાં આ વર્ષે નાતાલ પૂર્વે વાઇટ ક્રિસમસનો માહોલ જામે તેવા આસાર વચ્ચે દિવસો દિવસ કાતિલ બનતા શિયાળાએ તેનો અસ્સલ મિજાજ બતાડવાનું શરૂ કર્યું હોય તેમ કચ્છના અબડાસાના મુખ્ય શીતમથક નલિયામાં લઘુતમ તાપમાનનો પારો એક દાયકા બાદ જાણે હિમયુગની શરૂઆત થઇ હોય તેમ ૨.૫ ડિગ્રી સેલ્સિયસ પર આવી જતા જનજીવન મૂર્છિત બની જવા પામ્યુ છે. ગત વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૫ના ડિસેમ્બર માસમાં નલિયામાં લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રીએ પહોંચ્યુ હતું. ૨૮ ડિસેમ્બર ૨૦૧૩નાં રોજ નલિયામાં ૨.૬ અને ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ નારોજ લઘુતમ તાપમાનનો આક ૨.૬ ડિગ્રી સેલ્સિયસ પર ગગડ્યો હતો જયારે ૧૧ ડિસેમ્બર ૧૯૬૪ના રોજ નલિયામાં લઘુતમ તાપમાન ૦૦.૬ પર પહોંચ્યું હતું જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.દરમિયાન નલિયામાં દાયકાની રેકર્ડબ્રેક ઠંડી સાથે જિલ્લા મથક ભુજ અને કંડલા-ગાંધીધામ સંકુલમાં પણ ઠંડીની તીવ્રતા વધી છે.
ભુજમાં બર્ફીલા પવનોની સંગાથે ૧૦.૨ ડિગ્રી સે. લઘુતમ તાપમાનનો આક નોંધાતા શહેરીજનો ટાઢમાં ઠૂંઠવાયા હતા કંડલા એરપોર્ટ ગળપાદર ખાતે પણ પારો ૯ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે પ્રથમવખત સિંગલ ડિજીટ પર પહોંચ્યો છે. સવારે ભેજનું પ્રમાણ ઊંચુ હોઈ અબડાસા-ભુજ સહિતના વિસ્તારોમાં ઝાકળવર્ષા પણ થઈ હતી જિલ્લામાં લઘુતમ સાથે દિવસનું મહત્તમ તાપમાન પણ ઘટીને સરેરાશ ૨૩-૨૪ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે. જેથી દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટાવવાનો વારો આવ્યો છે. ૨.૫ ડિગ્રીએ નલિયા અને કંડલા એરપોર્ટ રાજ્યમાં સૌથી ઠંડા શહેરો બની રહ્યાં છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષા વચ્ચે ઈશાન ખૂણેથી વાતા હિમપવનોને લીધે તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે પરંતુ ત્યારબાદ પારો વધુ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગગડવાની શક્યતા છે.