જામનગર કસ્ટમ્સમાંથી ૧.૧ કરોડનું સોનું ગાયબ
જામનગર: કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ ભુજ ડિવિઝન દ્વારા જામગનર કસ્ટમ્સને સોંપવામાં આવેલુ રૂ. એક કરોડનું સોનું ગાયબ એટલે કે ચોરાઇ ગયું છે. વર્ષ ૨૦૦૧થી ૨૦૧૬ સુધીના ૧૫ વર્ષના ગાળામાં સોનું ગાયબ કરાયાની ફરિયાદ નોંધાઈ છે.જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પોલીસ હેડ ક્વાર્ટર સામે આવેલી કસ્ટમ ડિવિઝન ઓફિસના રામસીંગ શિવકુમારસીંગ યાદવે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સન ૧૯૮૨ અને ૧૯૮૬માં કસ્ટમ ડિવિઝન ભુજ દ્વારા રેડ કરી સોનાના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતાં. સોનાના સેમ્પલો કસ્ટમ ડિવિઝન ભુજ ખાતે હતા.
પરંતુ વર્ષ ૨૦૦૧માં ધરતીકંપના કારણે કસ્ટમ ડિવિઝન જામનગર ખાતે લાવવામાં આવ્યું હતું. જે બાદ ૧૮મી ઑક્ટોબર ૨૦૧૬એ કસ્ટમ ડિવિઝન ભુજને પરત સોંપવામાં આવ્યું હતું. ત્યારે કુલ પાંચ સેમ્પલમાંથી ૨૧૫૬.૭૨૨ ગ્રામ સોનું જેની હાલની બજાર કિંમત એક કરોડ ૧૦ લાખ રૂપિયા થાય છે તે ઓછું નીકળ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પણ ચાર દિવસ પહેલા આવી ઘટના બની હતી. અહી સીબીઆઈ તિજોરીમાંથી ૧૦૩ કિલોથી વધુ સોનુ ગાયબ થયું હતું. ગાયબ થયેલું સોનું ૨૦૧૨ના વર્ષ દરમિયાન એક દરોડામાં મળી આવ્યું હતું. સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલ ૪૫ કરોડ રૂપિયાના સોનામાં ઈંટ અને જ્વેલરી સામેલ હતી.