ધર્માંતરણ વિરોધી વટહુકમને ગવર્નર આનંદીબેનની મંજૂરી
ભોપાલ : મધ્ય પ્રદેશનાં ગવર્નર આનંદીબેન પટેલે શનિવારે ધર્માંતરણ વિરોધી વટહુકમને મંજૂરીની મહોર મારી હતી અને એ સાથે એ વટહુકમ હવે કાયદો બની ગયો છે. મધ્ય પ્રદેશ ફ્રીડમ ઑફ રિલીજીયન ઑર્ડિનન્સ, ૨૦૨૦ મુજબ લગ્ન/શાદી કરવાના બહાને કોઈને ધર્મ બદલવાની ફરજ પાડવા સહિત છેતરપિંડીથી કે ગેરમાર્ગે દોરીને કે ધાકધમકીથી કે બળજબરીથી કે લાલચ આપીને કે ખોટી વગ વાપરીને ધર્માંતરણ કરાવવામાં આવશે તો કસૂરવારને ૧૦ વર્ષ સુધીની જેલની સજા કરાશે. આ કાયદાની અનેક જોગવાઈઓ ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારે અમલી બનાવેલા ધર્માંતરણ વિરોધી કાયદા જેવી જ છે.
આ જોગવાઈઓની વિરુદ્ધમાં જો ધર્માંતર કરાશે કે લગ્ન કરવામાં આવશે તો એને રદબાતલ ગણવામાં આવશે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે વિધાનસભાનું શિયાળુ સત્ર યોજી ન શકાતાં ગૃહમાં ખરડો રજૂ નહોતો કરી શકાયો. પરિણામે, રાજ્ય સરકારે વટહુકમનો માર્ગ અપનાવ્યો હતો. રાજ્યના પ્રધાનમંડળે ૨૯મી ડિસેમ્બરે આયોજિત બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપી હતી.રાજ્યમાં લાગુ કરાયેલા આ નવા કાયદા મુજબ ધર્મ છુપાવીને કે ધર્માંતરણ કરીને લગ્ન/શાદી કરવાના કિસ્સામાં કસૂરવારને ત્રણથી દસ વર્ષ સુધીની જેલની સજા થશે.
તેણે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને સગીરને લગ્ન કરવાના બહાને ધર્મ બદલવાની ફરજ પડાશે તો કસૂરવારને બેથી દસ વર્ષની જેલની સજા થશે અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. જેને ધર્માંતરણની ફરજ પડાઈ હોય એ વ્યક્તિના માતા-પિતા, કાયદાકીય વાલી કે રખેવાળ કે ભાઈ કે બહેન એ સંબંધમાં ફરિયાદ નોંધાવી શકે છે. ભોગ બનેલી મહિલા કે બાળા કાયદાને અંતર્ગત પાલનપોષણના ખર્ચને હકદાર બનશે. આવા લગ્ન/શાદીથી થતા બાળકો પિતાની મિલકતના વારસદાર તરીકે હકદાર બનશે.જોકે, જેઓ ધર્મ બદલવા માગતા હોય તેમણે ૬૦ દિવસ પહેલાં જિલ્લા વહીવટી તંત્રને અરજી કરવી પડશે.