મોરબી જિલ્લામાં 3 સ્થાનો પર રાષ્ટ્રિય ચેતના,રાષ્ટ્રભાવ, સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે

- મોરબી સત્યાગ્રહ, વોકર કરાર અને નાના સાહેબ પેશ્વા સમાધિ સ્થળ અંતર્ગત મોરબી જિલ્લામાં ઉજવણી થશે
- તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે.
- ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ઐતિહાસીક મહત્વ ધરાવતા ત્રણ સ્થાનો પર રાષ્ટ્રિય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કરતાં કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવનારૂં ગુજરાત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પણ ગરિમાસભર ઉજવણી કરવા કૃતસંકલ્પ છે ત્યારે મોરબી જિલ્લામાં સત્યાગ્રહ અંતર્ગત મણીમંદિર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીની અધ્યક્ષતામાં ગરિમામય કાર્યક્રમ યોજાશે. ઐતિહાસિક વોકર કરાર અંતર્ગત મોરબી તાલુકાનું ઘુટું ગામ અનેરુ મહત્વ ધરાવે છે ત્યારે ઘુટું ગામે સવજી કાકા હોલ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેનશ્રી ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત નાના સાહેબ પેશ્વા સમાધિ સ્થાન શંકરઆશ્રમ અતંર્ગત મોરબી શહેરના ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે મોરબી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોમાં દેશભક્તિ, આઝાદીની ચળવળ, સત્યાગ્રહ અને ક્રાંતિકારીઓના જીવન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ એક સાથે ૭પ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ -જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ બધા જ સ્થળોએ પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.
સમગ્ર કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં ત્રણેય સ્થાનો પર યોજાનાર કાર્યક્રમ અંતર્ગત મણિમંદિર ખાતે યોજનારા કાર્યક્રમના લાયઝન અધિકારી તરીકે જિલ્લા ભૂતસ્તરશાસ્ત્રી યુ.કે. સિંગ, વોકર કરાર અંતર્ગત ઘુટું ખાતે યોજાનાર કાર્યક્રમના લાયઝન અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી શ્વેતા પટેલ અને નાના સાહેબ પેશ્વા સમાધિ સ્થળ શંકરઆશ્રમ અંતર્ગત ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમના લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાની નિમણૂંક કરી સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણ હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષી, સહાયક પોલીસ અધિક્ષક રાધીકાબેન ભારાઈ, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શ્વેતા પટેલ, જિલ્લા ભુસ્તરશાસ્ત્રી યુ.કે. સીંગ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ. સોલંકી, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. કે.આર. સરડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, મામલતદાર સર્વે શ્રી જી.એચ. રૂપાપરા, સી.બી. નિનામા, ડી.એ. જાડેજા સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલઃ ઘનશ્યામ પેડવા , માહિતી બ્યુરો, મોરબી
રીપોર્ટ :- જનક રાજા, મોરબી