મોરબીમાં દિલધડક લૂંટ કરનાર આરોપીઓને પકડવા રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લામાં નાકાબંધી

થેલામાં અંદાજે 7થી 8 લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન
મોરબી : મોરબી શહેર હવે લૂંટફાટ અને ગુનાખોરીનું હબ બની ચૂક્યું છે. મોરબી શહેરમાં કોરોનાની સાથે લૂંટફાડની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં લૂંટ, ચોરી, બળાત્કાર, હત્યા અને ઠગાઈ જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે. ત્યારે મોરબી શહેરમાં વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. જેમાં પીપળી રોડ ઉપર આજે સાંજના અરસામાં લૂંટનો બનાવ નોંધાયો છે. આ લૂંટ કરનારા આરોપીઓને પકડવા માટે મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં પણ પોલીસે નાકાબંધી ગોઠવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના પીપળી રોડ ઉપર આશીષસિંહ વાઘેલા નામની વ્યક્તિ નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે સફેદ કલરની કાળા કાચ વાળી સ્વીફ્ટ કારમાં ઘસી આવેલા લૂંટારૂઓએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.આ બનાવને પગલે પોલીસે તુરંત જ હરકતમાં આવીને અનેક સ્થળોએ નાકાબંધી કરી દીધી છે. ઉપરાંત રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં પણ નાકાબંધી કરી દેવામાં આવી છે. હાલ આ થેલામાં રૂ. 7થી 8 લાખ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી