રાજકોટ : સ્પા સંચાલક પાસે 6 નકલી પત્રકારે દોઢ લાખ માગ્યા…!

- તમામની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ની ટીમ
રાજકોટ શહેરમાં નકલી પત્રકાર બની પત્રકારના નામે તોડ કરી સ્પા સંચાલકને ધમકી આપનાર 6 નકલી પત્રકારોની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. સ્પા કરાવ્યા બાદ રૂપિયા ન આપી સામે રૂપિયા પડાવવા કાવતરું રચી ખોટી ફરિયાદમાં ફસાવી દેવાનું કહી આરોપીઓએ સ્પા સંચાલકને ધમકી આપ્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નકલી પત્રકારોએ સોનાના ચેઇનની ચોરીનું કાવતરૂ ઘડી સ્પા સંચાલક પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી.
સગીરનો સોનાનો ચેઇન ચોરાઇ ગયો હોવાનું કહ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ રવિવારે બપોરના સમયે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પરના અરિવા વેલનેશ એન્ડ હેલ્થ કેર સ્પા ખાતે ગત તારીખ 4 એપ્રિલ 2021ના રોજ બપોરના સમયે સગીર અને રવિ નામના બે યુવાન સ્પા કરાવવા માટે આવ્યા હતા. આ બંનેએ સ્પા કરાવ્યા બાદ બહાર રિશેપ્શન પર આવી સગીરનો સોનાનો ચેઇન ચોરી થઇ ગયો છે તેમ કહી બાદમાં નકલી પત્રકારની ઓળખ આપી હતી.
સ્પા સંચાલક પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી
બાદમાં અન્ય સાગરીતોને બોલાવી સ્પામાં ગોરખધંધા ચાલે છે અને ચેઇન ચોરી કરવામાં આવ્યો હોવાનું કહી ફેસબુક પર વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. બાદમાં સ્પા સંચાલક પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. જો મેટર પતાવવી હોય તો રૂપિયા આપવા જ પડશે તેમ કહી નકલી પત્રકારોએ ફરિયાદી સ્પા સંચાલકને બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદી સ્પા સંચાલકે નકલી પત્રકારો રવિ, મયુર, ગૌતમ, સંજય, સુરેશ અને એક સગીર સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રૂપિયા પડાવવા સ્પાને ટાર્ગેટ કરવા પ્લાન ઘડ્યો હતો
હાલ ગાંધીગ્રામ પોલીસે એક સગીર સહિત કુલ 6 નકલી પત્રકાર બની રૂપિયા પડાવી લોકોને હેરાન પરેશાન કરતી ગેંગને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓ ગોંડલના મોવિયા ખાતે મળ્યા હોય અને બાદમાં રૂપિયા પડાવવા સ્પાને ટાર્ગેટ કરવા પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનું ન્યૂઝ રજિસ્ટર છે કે કેમ ? અન્ય કોઇ લોકો પાસે રૂપિયા પડાવવા કામ કર્યુ છે કે કેમ સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 384, 120(B), 114 હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રીપોર્ટ : સતાર મેતર