થરાદ ખાતે ફળ નાં ભાવ નક્કી કરવામાં આવ્યા
- ફળોના વેપારીઓની બેઠક બાદ થરાદ મામતદારશ્રીએ ફળોના ભાવ મંજુર કર્યા
કોરોના વાયરસ કોવિડ-૧૯ની બીજી લહેર સામે સમગ્ર દેશ સહિત રાજ્ય લડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર જરૂરી તમામ નિર્ણયો લઈ યુધ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયારસ બચવા શરીરની હર્ડ હ્યુમિન્ટી પાવર તેમજ માનવ દેહને જરૂરી પોષક તત્વો હોવા જરૂરી હોય છે અને જેના માટે ફળો (ફ્રૂટ) મહત્વના હોય છે.
જે અનુલક્ષી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ફળોના જથ્થાબંધ તથા છુટક વેપારીઓની સાથે ઇન્સીડન્ટ કમાન્ડર અને મામતદારશ્રી થરાદ દ્વારા બેઠક બોલાવી તથા ફળો (ફ્રૂટ) વેપાર સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચા કરી ફળોના છુટક ભાવો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રતિ કિ. લો પ્રમાણે ભાવ આ મુજબ ભાવ છે, સંતરાં(નારંગી) ૧૬૦ થી ૧૭૦ રૂપિયા, મોસંબી ૧૪૦ થી ૧૫૦ રૂપિયા, સફરજન ૨૫૦ મીડીયમ ક્વોલીટી/૩૦૦ સારી ક્વોલીટી, લીલા નારિયેળ-એક નંગના ૬૦ થી ૭૦ રૂપિયા, માલ્ટા ૧૬૦ થી ૧૭૦ રૂપિયા, પાઈનેપલ ૭૦ રૂપિયા, ચીકુ ૪૦ થી ૫૦ રૂપિયા, બદામ કેરી ૬૦ રૂપિયા. આમ આ મુજબના ભાવ સર્વોનુમતે નક્કી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફળોના વેપારીઓને તેમના ફળના ધંધા સ્થળે ભાવનું બોર્ડ રાખવું પડશે તેમજ નિયત કરાયેલ ભાવ કરતાં કોઈ વેપારી દ્વારા વધુ ભાવ લેવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જથ્થાબંધ બજારમાં ઘટાડો થાય ત્યારે તે મુજબ ફળો નીચા ભાવથી વિતરણ કરવાનું રહેશે. તેમ ઇન્સીડન્ટ કમાન્ડર અને મામતદારશ્રી થરાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)