જામનગરમાં પણ ધોરણ 9 થી 12ની શાળાઓ ત્વરિત શરૂ ક૨વાની માંગ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત

રાજ્યભરની સાથે જામનગરમાં પણ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જામનગરમાં ધોરણ 9થી 12ની શાળાઓને શરૂ કરવા ઉગ્ર માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાં આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો દ્વારા આવેદનપત્ર પાઠવી ધોરણ 9થી 12ની શાળા શરૂ કરવા માંગ કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં પણ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ન્યુ સ્કૂલ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
જામનગર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાની આગેવાની હેઠળ શહેર-જિલ્લાની તમામ ખાનગી શાળાના સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવેદનમાં જણાવ્યું છે કે હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. સરકાર દ્વારા ટયુશન ક્લાસીસ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહીંત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે.
આ અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજ્યના તમામ જીલ્લા મથકોએ આજરોજ શિક્ષણાધિકારીઓને આવેદનપત્ર આપી સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ હોવાથી બાળકોના અભ્યાસક્રમને પણ ભારે નુકસાન થઈ રહ્યું હોય અને શૈક્ષણિક કાર્ય ખોરંભે ચઢી રહ્યું છે ત્યારે વિવિધ માંગણીઓ સાથે જામનગરમાં પણ ધોરણ 9થી 12ની શાળાઓ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી.
કોરોના વાયરસના કેસ ઘટી જતા સર્વત્ર અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકારે સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની બસ સહિતની મંજૂરીઓ આપી દીધી છે. આ ઉપરાંત ધો.12ના ક્લાસ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને ધો. 9થી 12ના વર્ગો ઓફલાઈન ચાલુ કરવા માટે મંજૂરી માગી છે. આ અંગે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
જે રીતે ટ્યુશન ક્લાસ, સરકારી શાળાઓ તથા વાણિજ્ય એકમ શરૂ કરાયા છે એ રીતે ખાનગી શાળાને પણ ઓફલાઈન ક્લાસિસ માટે મંજૂરી આપવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. મંડળનું એવું પણ કહેવું છે કે, છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણને મોટું નુકસાન થયું છે. સરકારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર કરી આવી મંજૂરી આપવા માટે વિલંબ ન કરવો જોઈએ. ખાસ તો અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ નેટવર્કની સમસ્યા છે જેના કારણ બાળકોનું ભણવાનું બગડી રહ્યું છે. આ માટે સરકારી શાળાઓની જેમ આ વર્ગોને પણ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી એવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગરે શિક્ષણાધિકારી સમક્ષ માગ કરી છે.
– રોહિત મેરાણી (જામનગર)