મોટી ખાવડીમાં એલસીબીએ પાંચ મહિના પહેલાં પકડેલા પ્રવાહીના પ્રકરણમાં નોંધાયો ગુન્હો

જામનગરના મોટી ખાવડી ગામમાં પાંચ મહિના પહેલાં એક ખાનગી ટ્રાન્સપોર્ટ પેઢીના વંડામાં એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ડીઝલ જેવું લાગતું ૧૮૦૦ લીટર પ્રવાહી કબ્જે કર્યું હતું અને ત્યાંથી એક ટ્રક સહિતનો મુદમાલ કબ્જે કર્યો હતો. તે પ્રવાહીના નમૂના એફએસએલ તથા મામલતદારે લીધા પછી આ બાબતની ગઈકાલે વિધિવત ફરિયાદ થવા પામી છે. જ્વલનશીલ પદાર્થ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અન્યની જિંદગી જોખમમાં મૂકનાર શખ્સો સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી નજીક એક પેટ્રોલપંપ પાસે ટ્રાન્સપોર્ટ કંપનીના વંડામાંથી ડીઝલ જેવા બળતણનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી જામનગર એલસીબીના યશપાલસિંહ, અજયસિંહને મળતાં ફેબ્રુઆરી મહિનાની છઠ્ઠી તારીખે એલસીબીના પીએસઆઈ કે.કે.ગોહિલના વડપણ હેઠળ એલસીબીના કાફલાએ મોટી ખાવડીમાં કુંડલીયા પેટ્રોલપંપ નજીક આવેલા અગ્રવાલ રોડલાઈન્સ પ્રાઈવેટ લિમિટેડ નામના ટ્રાન્સપોર્ટની બાજુના વંડામાં દરોડો પાડ્યો હતો.
તે સ્થળેથી ડીઝલ જેવું લાગતું અઢારસો લીટર પ્રવાહી મળી આવ્યું હતું અને ત્યાં તે પ્રવાહી ભરવા માટે આવેલો જીજે-૧૨ ડબલ્યુ-૯૫૯૨ નંબરનો ટ્રક પર મળી આવ્યો હતો. જે તે વખતે રૂ.૯૯ હજારની કિંમતનું પ્રવાહી, રૂ.૧૧ લાખનો ટ્રક, રૂ. ૫૦ હજારની કિંમતના નોઝલ, મશીન, પાઈપ કબ્જે કરી ત્યાં હાજર મૂળ ઉતરાંચલ રાજ્યના રાનીખેત જિલ્લાના નૈનિતાલના વતની અને જામનગરમાં વુલનમીલ પાસે વસવાટ કરતાં અને મેનેજરની નોકરી કરતાં સાગર શ્રવણભાઈ તીરવાની અટકાયત કરી મામલતદાર તથા એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. બન્ને તે પ્રવાહીના દ્વારા નમૂના મેળવવામાં આવ્યા હતા.
તે નમૂનાનો રિપોર્ટ આવ્યા પછી ગઈકાલે પીએસઆઈ કે કે ગોહિલની રાહબરી હેઠળ હે.કો. યશપાલસિંહ જાડેજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં આ બાબતની વિધિવત ફરિયાદ નોંધાવી છે. આઈપીસી ૨૭૮, ૨૮૫ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની પીએસઆઈ કે કે ગોહિલે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)