કડી આદુંદરા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ SOGએ ઉકેલ્યો

કડી કેનાલ પાસેથી મળી આવેલ લાશનો ભેદ અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. સરખેજના યુવકની સગાઈ કડીની યુવતી સાથે થઈ હોવાથી યુવતીના પ્રેમીએ યુવકની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. આરોપીની એસઓજીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસો પહેલા સરખેજ વિસ્તારના મકરબા ખાતે રહેતા નદીમ મોહંમદ કુરેશી ગુમ થયા હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જો કે પોલીસે નદીમની શોધખોળ હાથ ધરી ત્યારે કડી નજીક રંગપુરડા નર્મદા કેનાલમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં નદીમની લાશ મળી આવી હતી. જો કે આ મામલે કડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ અંગે એસઓજીના ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતક નદીમની સગાઈ મોટા ગોરૈયા વિરમગામ ખાતે રહેતી બિલ્કીશબાનુ સાથે થઈ હતી.
જો કે બિલ્કીશબાનુને કડી ખાતે રહેતા સરફરાજ અજીમ સાથે પ્રેમ સબંધ હતો. જો બિલ્કીશબાનુના લગ્ન નદીમ કુરેશી સાથે થઈ જશે તો પ્રેમ સબંધનો અંત આવી જશે જેના કારણે સરફારજ અજીમે નદીમનું કાળશ કાઢવાનું નક્કી કરી લીધું હતું અને આખરે ઘાતકી હત્યા કરીને લાશને કેનાલમાં ફેકી દીધી હતી. આ અંગેની બાતમી મળતા એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમ કડી પહોંચીને સરફરાજની ધરપકડ કરી હતી. બાદમાં પુછપરછમાં સરફરાજે હત્યા કરીને લાશને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાનું કબુલાત કરી હતી.