સરકારની રાહત યોજના:કોવિડ રાહત યોજનામાં પતિ કે પત્નીને આજીવન, પુત્રીને લગ્ન થાય ત્યાં સુધી પુત્રોને 25 વર્ષની ઉંમર સુધી પેન્શન

• કોરોનાથી મૃત્યુ પામેલા શ્રમિકોના વારસદારોને ESIC આજીવન પેન્શન આપશે
કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામનાર શ્રમિકોના આશ્રિતો (વારસદારો)ને આર્થિક સહાય મળે તે માટે સરકારે કોવિડ રાહત યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ શ્રમિકના વારસદાર પતિ કે પત્ની તેમજ બાળકોને પેન્શન અપાશે. શ્રમિકના વારસદાર પતિ કે પત્નીને આજીવન તેમજ દીકરીને લગ્ન થાય ત્યાં સુધી અને દીકરાને 25 વર્ષની ઉંમર સુધી પેન્શન મળશે. એક સપ્તાહ પહેલા કેન્દ્રે જાહેર કરેલી આ યોજના હેઠળ અમદાવાદમાં અત્યાર સુધી 15 શ્રમિકોના આશ્રિતોને પેન્શનની ચૂકવણી મંજૂર કરાઈ છે. હાલમાં અમદાવાદના 45 સહિત રાજ્યના 65 પરિવારોએ પેન્શન માટે ઈએસઆઈસી ઓફિસમાં અરજી કરી છે.
ઈએસઆઈસીના રિજનલ ડાયરેક્ટર રત્નેશ ગૌતમે જણાવ્યું કે, કોરોનાથી મૃત્યુ પામનાર શ્રમિકોને આર્થિક સહાય મળે તે માટે સરકારે પહેલીવાર પેન્શન યોજના જાહેર કરી છે. જેમાં ફેક્ટરી કે કોઈ કંપનીમાં કામ કરતી પત્નીના કોરોનાથી મૃત્યુ બાદ તેના પતિને પણ આજીવન પેન્શન અપાશે. ઈએસઆઈસીનો લાભ મેળવતા અને ઈએસઆઈસીના ઓનલાઈન પોર્ટલમાં રજિસ્ટર્ડ શ્રમિક અને તેના પરિવારના તમામ સદસ્યો કોરોનાની સારવાર મેળવવાની સાથે કોરોનાથી મૃત્યુ બાદ મૃતકના આશ્રિતો પેન્શન મેળવવા હકદાર છે.
શ્રમિકના મૃત્યુ સમયે તેના દૈનિક પગારનો 90 ટકા હિસ્સો પેન્શન તરીકે ચૂકવાશે. જેમાંથી લગભગ 60 ટકા રકમ પેન્શન તરીકે વારસદાર પતિ કે પત્નીને મળશે જ્યારે 40 ટકા રકમમાંથી બાળકોને પેન્શન મળશે. દેશમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી એટલે કે 24 માર્ચ 2020થી બે વર્ષ સુધી શ્રમિકો આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનાનો લાભ મેળવવા કોરોનાથી મૃત્યુ પામનાર શ્રમિકના પરિવારજનોએ ઈએસઆઈસીની રિજનલ ઓફિસમાં અરજી કરવાની રહેશે. કોરોના શરૂ થયા બાદ બેરોજગાર થયેલા ઈએસઆઈસીમાં રજિસ્ટર્ડ થયેલા વ્યક્તિઓને મહત્તમ 90 દિવસ માટે તેના દૈનિક સરેરાશ પગારના 50 ટકા રકમ ચૂકવાઈ છે.
બીજા લગ્ન કરનાર વારસદારનું પેન્શન બંધ થશે
કોવિડ રાહત યોજના હેઠળ પેન્શન મેળવનાર શ્રમિકના વારસદાર પતિ કે પત્ની જો બીજા લગ્ન કરશે તો તે પેન્શનનો હકદાર નહીં રહે અને ઈએસઆઈસી દ્વારા તેનું પેન્શન બંધ કરી દેવાશે. કોરોના થયો હોય તેના ઓછામાં ઓછા 6 મહિના પહેલા રજિસ્ટર્ડ થયેલો શ્રમિક આ યોજનાનો લાભ મેળવવા હકદાર બનશે. રાજ્યના લગભગ 17 લાખ શ્રમિકો ઈએસઆઈસીમાં નોંધાયેલા છે.